ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સાંતાક્રુઝમાં રહેતા 26 વર્ષના ગુજરાતી યુવાન હલક શાહે કરેલી અનોખી શોધ માટે તાજેતરમાં જ તેને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના હસ્તે નૅશનલ યુથ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. હલક શાહે તેના મિત્ર મોનિશ ગાદિયા સાથે મળીને ‘ખેતી હલ’ નામની એક ઍપ્લિકેશન બનાવી છે. આ ઍપની મદદથી ખેડૂતો પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરવાથી લઈને અનેક પ્રકારનાં કામ કરાવી શકશે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી આ ઍપ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થશે એવું માનવામાં આવે છે.
જે રીતે ઍપની મદદથી ટૅક્સી બુક કરી શકાય છે એ પ્રમાણે જ હલક શાહની ‘ખેતી હલ’ ઍપથી ખેડૂતોને ખેતીને લગતી જુદી-જુદી સેવા મેળી શકશે. આર્કિટેક્ચરની ડિગ્રી બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં MBA કરનારા હલકે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે આપણા દેશનો ખેડૂત અન્નદાતા કહેવાય છે. વર્ષો સુધી ખેડૂતોએ પાકના ભાવથી લઈને અન્ય બાબતો માટે બહુ સહન કરવું પડ્યું છે, પરંતુ હવે આપણા ખેડૂતો પણ અન્ય દેશના ખેડૂતોની માફક એન્થ્રોપ્રેનર બને એ માટે તેમને માર્ગ ચીંધવાનું કામ અમારી આ ઍપ કરવાની છે.
પોતાની ઍપ બાબતે માહિતી આપતાં હલક શાહે જણાવ્યું હતું કે ‘ખેતી હલ’ સાથે ખેતીને લગતી સેવા આપનારી કંપનીઓ જોડાયેલી છે. આ કંપનીઓની મદદથી ખેડૂતો પોતાના ખેતરમાં બિયારણ નાખવાથી લઈને દવાનો છંટકાવ કરવો, પાકની ફોટોગ્રાફી કરવી જેવાં અનેક કામ કરાવી શકશે. આમાં ખેડૂતોનો સમય બચવાથી લઈને મૅનપાવર પણ બચશે. ઍપ પરથી ખેડૂતો ઈ-કૉમર્સ, ફાર્મર્સ ચેટિંગ, કૉર્પોરેટ કંપનીઓ સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકે એવાં ઘણાં ફીચર પણ રહેશે.
હલક શાહની ‘ખેતી હલ’ ઍપનું કામ હાલ ચાલી રહ્યું છે. ઍપને લૉન્ચ થવામાં થોડો સમય લાગવાનો છે. આર્કિટેક્ચરની ડિગ્રી બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં MBA કરનારા હલકે અત્યાર સુધી ઘણાં ઇનામો મેળવી લીધાં છે. તેણે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે આ પહેલાં પણ અમારી આ આઇડિયા એક કૉમ્પિટિશનમાં સિલેક્ટ થઈ હતી, ત્યારે પણ અમને ઇનામ મળ્યાં હતાં. યુનાઇટેડ નૅશન દ્વારા તક મળતાં ઇજિપ્ત અને ઇઝરાયલ જઈ આવેલો. એ દરમિયાન ઍગ્રિકલ્ચરમાં ટેક્નોલૉજી કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે એ જાણવા મળ્યું. ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન સાથે લગભગ 12 વર્ષથી જોડાયેલો હોવાથી ગામડાના ખેડૂતો સાથે ખાસ્સો સમય કાઢ્યો છે. એથી તેમની સમસ્યાથી વાકેફ હતો. આ દરમિયાન ખેડૂતો પાસેથી ઘણું શીખ્યો હતો. તેના બેઝ પરથી જ ખેડૂતો માટે આવું કંઈ અલગ કરવાનો વિચાર આવ્યો હતો.
તાજેતરમાં જ યુથ ડેના દિવસે યુથ અફેર્સ ઍન્ડ સ્પૉર્ટ્સ તથા ઇન્ફોર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીના પ્રધાન અનુરાગ ઠાકુરના હસ્તે તેની અનોખી શોધ માટે તેને નૅશનલ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યો હતો. મલ્ટિનૅશનલ કંપનીમાં ટ્રાન્સમિશન કન્સલ્ટન્ટ તરીકે હાલ કામ કરી રહેલા હલકે આ બાબતે જણાવ્યું હતું કે યુનાઇટેડ નૅશન્સ વોલન્ટિયર્સ, યુનાઇટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પોગ્રામ અને મિનિસ્ટ્રી ઑફ યુથ અફેર્સ ઍન્ડ સ્પૉટર્સ દ્વારા નૅશનલ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાનો વિષય ક્રિયેટિંગ સસ્ટેનેબલ ફૂડ વૅલ્યુ ચેઇન સિસ્ટમ હતી. એમાં ખેતીને ધ્યાનમાં રાખીને પાંચ કૅટેગરીમાં બે-બે ઇનોવેશનને એટલે કે દેશભરમાંથી કુલ દસ એન્થ્રોપ્રેનર આઇડિયાને સોલ્વ્ડ 2021 ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. દેશભરમાં 850 એન્ટ્રી આવી હતી, એમાંથી 10 એન્ટ્રી પસંદ થઈ હતી હતી. એમાં મહારાષ્ટ્રમાંથી અમારી એન્ટ્રીને સિલેક્ટ કરવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે હરક બિઝનેસ સ્કૂલ ચૅમ્પિયનશિપમાં તેનો પ્રૉબ્લેમ સૉલ્વિંગ સ્કિલ માટે ઍવૉર્ડ જીતી ચૂક્યો છે અને ફૉર્બ્સ મૅગેઝિનમાં તેનું નામ પણ છપાયું છે.