News Continuous Bureau | Mumbai
Surat: દાનવીરોની ભૂમિ સુરતમાં સપ્તાહમાં બેથી વધુ બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાન કરે છે. અકસ્માતની ઘટનાઓમાં વ્યકિતને માથાના ભાગે ઈજા થવાના કારણે અથવા બ્રેઈન સ્ટ્રોકના કારણે બ્રેઈનડેડ જાહેરકરવામાં આવતા હોય છે, ત્યારે બ્રેઈનડેડ વ્યક્તિના અંગો જરૂરિયાતમંદ દર્દીઓના નવજીવનના નવા રંગો પૂરે છે.શહેરમાં દેશભરમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય લોકોમાં પણ બ્રેઈનડેડ સ્વજનના આંખ અને બે કિડનીનું દાનકરવામાં જાગૃત્તિ આવી છે, જેનું તાદ્રશ્ય ઉદાહરણ મિશ્રા પરિવારે પૂરૂ પાડ્યું છે.
મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકુટના વતની અને સુરત શહેરના નવાગામ ડીંડોલી સ્થિત ગીતાનગરમાં પરિવાર સાથે રહેતા ૧૯ વર્ષીય નિરજ ભૈયાલાલ મિશ્રા તા.૧૭મી જુલાઈના સાંજે ૫.૦૦ વાગ્યે ઉધના-ભેસ્તાન સ્થિત સુર્યોદય સ્કુલમાં મિત્રની બર્થ ડેની ઉજવણી દરમિયાન મોબાઈલમાં સેલ્ફી ખેંચતા સમયે પહેલા માળેથી પડી ગયા હતા. તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચાર દિવસની સારવાર બાદ તા.૨૧મીએ સવારે ૮:૪૬ વાગે ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિએ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયાએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ડો.નિલેશ, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડ, ગુલાબેએ મિશ્રા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પિતા ભૈયાલાલ મિશ્રાએ સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ સ્વ.નિરજની આંખ અને બન્ને કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. જેમાં આંખ આઈ બેંક નવી સિવિલ હોસ્પિટલ તથા બન્ને કિડની અમદાવાદની I.K.D હોસ્પિટલમાં એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થશે.
આ સમાચાર પણ વાંચો : Skin Care : ચહેરાને ચમકદાર બનાવવો છે? તો ડી-ટેન ક્લીનઅપ ઘરે માત્ર 10 મિનિટમાં જ કરો, આવશે પાર્લર જેવો નિખાર..
આમ, મિશ્રા પરિવારે ‘મહાદાન અંગદાન’થી અન્ય વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. આમ, સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ અને સિકયુરિટી સ્ટાફના પ્રયાસો થકી એક વધુ અંગદાન સફળ બન્યું હતું. નવી સિવિલમાં ૩૪મું અંગદાન થયું હતું.