ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
બોરીવલીની ખ્યાતનામ ગુજરાતી શાળા શેઠ એમ.કે. હાઈ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ આજે તબીબી ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી ઘડી છે. આ વાત છે ફિઝિયોથેરેપિસ્ટ ડૉ. બીજલ ડોડિયાની, જે હાલ શહેરની પ્રખ્યાત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં યુનિટ હેડ અને કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી રહી છે અને હાર્ટ અને લંગ્સની તજ્જ્ઞ છે.
હાલ નૅશનલ સ્પૉર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા સ્થિત હૉસ્પિટલની કોવિડ ફૅસેલિટીમાં કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલી છે અને ICU અને રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ લીડ કરે છે. બીજલની થિસિસ ઇન્ડિયન જર્નલ ઑફ ફિઝિયોથેરપી અને ઑક્યુપેશનલ થેરપીમાં પણ પ્રકાશિત થઈ ચૂકી છે. એ ઉપરાંત બીજલની 3 કેસ સ્ટડીઝને પણ આ જર્નલમાં સ્થાન મળ્યું છે અને ફિઝિયોથેરપીના પાઠ્યપુસ્તક માટે પણ બે પ્રકરણ લખ્યાં છે. હાલમાં તે કોરોનાના દર્દીઓ પર રિસર્ચ કરી રહી છે.

બીજલે પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મીઠીબાઈ કૉલેજથી પોતાનો ઉચ્ચ માધ્યમિક અભ્યાસ કર્યો. તેણે ડી.વાય. પાટીલ મેડિકલ કૉલેજમાં ફિઝિયોથેરપીમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ નાણાવટી હૉસ્પિટલમાં જુનિયર ફિઝિયોથેરપિસ્ટ તરીકે પોતાની કારકિર્દી ઘડવાની શરૂઆત કરી અને ત્યાર બાદ કે.ઈ.એમ. હૉસ્પિટલથી અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો, જેમાં તેણે ચેસ્ટ ફિઝિયોથેરપીમાં હાર્ટ અને લંગ્સમાં સ્પેશિયલાઇઝેશન કર્યું. તેણે ચાર વર્ષ ICU ઇન્ચાર્જ તરીકે સૈફી હૉસ્પિટલમાં પણ ફરજ બજાવી છે.

આ સંદર્ભે વાત કરતાં ડૉ. બીજલે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હું મારા જીવન સાથે ખૂબ ખુશ છું અને આજે હું જે પણ છું એની પાછળ તમામ શિક્ષકોનો હાથ છે, જે બદલ હું તેમની આભારી છું.” બીજલના મતે માતૃભાષામાં શિક્ષણ મેળવવું એ ગૌરવની બાબત છે અને એનાથી બાળકો પોતાની સંસ્કૃતિ સાથે જોડાય છે. બીજલે ઉમેર્યું હતું કે “હું ભવિષ્યમાં મારાં બાળકોને પણ માતૃભાષાની ઉત્તમ શાળામાં શિક્ષણ અપાવવા ઇચ્છું છું.”
ઉલ્લેખનીય છે કે બીજલને સ્પૉર્ટ્સમાં ખૂબ રસ હતો, એથી તેણે ફિઝિયોથેરપી વિષય પસંદ કર્યો હતો. તેની માતાનું સ્વાથ્ય સારું ન હોવાથી તે ઘરે પણ માસ્ક અને ગ્લવ્સ પહેરી રાખે છે. ખરેખર ડૉક્ટરોના સમર્પણનું બીજલ એક ઉત્તમ ઉદાહરણ છે. અહીં ફરી સાબિત થાય છે કે માતૃભાષાના માધ્યમમાં ભણીને પણ બાળક ઉત્તમ કારકિર્દી ઘડી જ શકે છે.