ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
આજના સમયમાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે, એવામાં આ પિતાએ પોતાની બંને દીકરીઓને અંગ્રેજી માધ્યમમાંથી માતૃભાષા ગુજરાતી માધ્યમમાં મૂકી છે. આ વાત છે આસ્થા સોલંકી અને જિજ્ઞા સોલંકીની, જે હાલ મલાડ પૂર્વની સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જ્યોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઈ સ્કૂલમાં ભણે છે. આ બે બહેનોએ પિતાની મદદથી ખૂબ જ નાની વયે ‘ચામુંડા ક્રિયેશન’ના નામે પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી હતી.
ખૂબ જ નાની વયે યુટ્યુબ પર વીડિયો બનાવી નામના મેળવનાર ધ્યાની જાનીથી પ્રેરિત થઈ તેમણે આ ચૅનલ બનાવી હતી. આ ચૅનલ પર બાળકોને સંસ્કાર મળે અને બાળક વડીલોનો આદર કરતા શીખે એ રીતના જ્ઞાનસભર વીડિયો બનાવાતા હતા. વર્ષ ૨૦૧૭માં આસ્થા જ્યારે બાલમંદિર અને મોટી બહેન જિજ્ઞા ત્રીજા ધોરણમાં હતી, ત્યારે પિતા હિનેશભાઈએ તેમને પ્રોત્સાહિત કરી પ્રથમ વીડિયો બનાવ્યો હતો. એ સમયે વાયરલ થયેલા ગીત ‘સોનું તને મારા પર ભરોસો નહિ કે…’ આ બે બહેનો અને તેમની એક બહેનપણીએ રજૂ કર્યું હતું અને આ પહેલા જ વીડિયો પર તેમને ૧૫ હજારથી વધુ વ્યુઝ મળ્યા હતા.
હાલમાં અસ્થા પહેલા ધોરણમાં તો તેની મોટી બહેન જિજ્ઞા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીઓ પહેલાં આ જ શાળાના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી અને એક વર્ષ અગાઉ જ પિતાએ તેમને અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં મૂકી હતી.
આ સંદર્ભે વધુ વાત કરતાં પિતા હિનેશભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અંગ્રેજી માધ્યમમાં મારી દીકરીઓ અંગ્રેજી તો સરસ શીખી ગઈ, પરંતુ પોતાની માતૃભાષાથી જુદી પડી ગઈ હતી અને તેમને ગુજરાતી આવડતું ન હતું.” એથી તેમણે દીકરીઓને માતૃભાષા ગુજરાતીના માધ્યમમાં મૂકી અને અંગ્રેજી શીખવવાના પણ પ્રયાસ શરૂ કરી દીધા.
આ વેબ-સિરિયલને બંધ કરો; તામિલનાડુ સરકારની કેન્દ્ર સરકાર પાસે માગણી
ઉલ્લેખનીય છે કે યુટ્યુબ પર વીડિયો બનાવવા સમય માગી લે એવું કામ છે. કામની વ્યસ્તતાને કારણે તેમણે યુટ્યુબ પર થોડા સમયથી વીડિયો બનાવ્યા નથી, પરંતુ હવે દીકરીઓ મોટી થઈ જતાં તેઓ જાતે જ વીડિયો બનાવવાની શરૂઆત ટૂંક સમયમાં કરવાની છે.