ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
માતૃભાષાની શાળામાં બાળકોની સંખ્યા ઓછી હોવાની વાત અનેકવાર કાને પડતી હોય છે, પરંતુ આવા સમયમાં પણ વસઈની એક ગુજરાતી શાળા એવી જ્યાં આજે પણ ૧૦૦૦થી વધુ બાળકો ભણે છે. આ વાત છે વસઈની ધ બસીન ગુજરાતી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શાહ એમ.કે. હાઈસ્કૂલની જે આજે પણ બાળકોના કલરવથી ગુંજે છે.
શાળામાં બાળકો માટે મોટું રમતગમતનું મેદાન અને બીજી આવશ્યક સુખ-સુવિધા ઉપલબ્ધ છે. બાળકો ભણતરમાં અને નવું શીખવામાં રસ લેતા થાય તે માટે શિક્ષકો સતત મથી રહ્યા છે. બાળકોનો પાયો કાચો ન રહી જાય તે માટે દર શનિવારે થોડોક સમય ધોરણ પ્રમાણે નહિ, પણ વિષય પ્રમાણે બાળકોને બેસાડી ભણાવવામાં આવે છે.
ચીનમાં આબાદીનો વૃદ્ધિ દર ઘટ્યો; જાણો ચીનના જનગણનાના નવા આંકડા
આ શાળાના બાળકો ભણતર સાથે રમતગમતમાં પણ અગ્રેસર છે. સામાન્યપણે શાળામાં વર્ષમાં એકવાર સ્પોર્ટ્સ ડે રાખવામાં આવતો હોય છે, પરંતુ આ શાળામાં દર મહિને એકવાર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે. અહીંના વિદ્યાર્થીને રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન અને બીજી વિવિધ સ્પર્ધાઓમાં પણ ઇનામ મળ્યા છે.

આ સંદર્ભે વધુ વાત કરતા માધ્યમિક વિભાગના આચાર્ય મિતેશ દેસાઈએ ન્યુઝ કંટીન્યૂઝને જણાવ્યું કે “બાળકોની ભણતરમાં રૂચી લેતા થાય તે માટે નવતર પ્રયોગ કરતા રહીએ છીએ અને ગરીબ ઘરના બાળકોને પણ સારામાં સારું ભણતર મળે તે માટે કાર્યરત છીએ.” ઉપરાંત શાળામાં સેમી ઈંગ્લીશ માધ્યમ ઉપલબ્ધ હોવાથી વાલીઓ આ શાળામાં પોતાના બાળકોને ભણાવે છે.

પ્રાથમિક શાળાના આચાર્યા હેમલતાબેન સુરતી ન્યુઝ કંટીન્યૂઝને આ બાબતે વધુ જણાવતા કહ્યું કે “અમે સતત વાલીસભાઓ કરીએ છીએ અને દૂરથી આવતા નાના બાળકો માટે બસની પણ સુવિધા આપીએ છીએ” સંચાલકો પણ શાળાના કાર્યોની દેખરેખ રાખે અને જરૂરી પગલાં લે છે જેનાથી આજે પણ ૬૦ વર્ષ જૂની આ શાળા ધમધમી રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રાથમિક વિભાગમાં ૩૫૦ તો માધ્યમિક વિભાગમાં લગભગ ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મુંબઈની તમામ શાળાઓ કરતા સૌથી વધુ બાળકોની સંખ્યા આ શાળામાં છે. આમ શિક્ષકો, આચાર્ય અને સંચાલકોના સુમેળથી આ શાળા વસઈમાં ગુજરાતી બાળકોને ઉત્તમ શિક્ષણ આપી રહી છે.