ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે ૨૦૨૧
શુક્રવાર
આજના સમયમાં વિદ્યાર્થીઓ વિદેશી ભાષા શીખતા હોય છે, જોકે એક વિદ્યાર્થી એવો છે જેણે વિદેશી ભાષા શીખવવાનું શરૂ કરી દીધું છે. કાંદિવલીના આ યુવકે માત્ર ૧૭ વર્ષની ઉંમરે વિદેશી ભાષા શીખવવાનું શરૂ કરી દીધુંઅને આજે પોતાના ક્લાસિસ ચલાવે છે. આ વાત છે રિયેન ગાલાની જે માત્ર ૧૯ વર્ષની ઉંમરે દેશનો સૌથી નાની વયનો વિદેશી ભાષાનો પ્રોફેસર બની ગયો છે. હવે તેની આ સિદ્ધિ માટે તેનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ, ૨૦૨૧માં અંકિત થઈ ગયું છે.
રિયેને સ્કૂલમાં આઠમા ધોરણથી ફ્રેન્ચ શીખવાની શરૂઆત કરી હતી. તેને આ વિષયમાં વધુ રુચિ પડતાં તે ખૂબ ઝડપથી ફ્રેન્ચ શીખવા લાગ્યો. દસમા ધોરણની પરીક્ષા આપ્યા બાદ તેણે ફ્રેન્ચ ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શીખવવાનું શરૂ કરી દીધું હતું. ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા બાદ તેણે ‘રિયેન ગાલા’સ એકૅડૅમી’ નામથી પોતાના ક્લાસિસ શરૂ કર્યા હતા. હાલમાં રિયેન બીકોમના છેલ્લાં વર્ષમાં મીઠીબાઈ કૉલેજમાં અભ્યાસ કરે છે. સાથોસાથ ફાઇનલ સીએની પણ તૈયારી કરે છે.
રિયેન પોતાની મહાવીર નગર સ્થિત એકૅડૅમીમાં ફ્રેન્ચ શીખવે છે. તેની એકૅડૅમીમાં જર્મન અને સ્પેનિશ પણ શીખવવામાં આવે છે. આ સંદર્ભે ન્યુઝ કન્ટિન્યુઝ સાથે વાત કરતાં રિયેને જણાવ્યું કે “લોકડાઉન હોવાથી હાલ હું ઑનલાઇન ભણાવું છું અને સાથે જર્મની પણ શીખી રહ્યો છું.” હાલમાં રિયેનની એકૅડૅમીમાં લગભગ ૫૦ વિદ્યાર્થીઓ વિવિધ વિદેશી ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે.
આફૂસનો ધંધો સાવ ફુસ્સ… આ વખતે કોઈને કમાવા ન મળ્યું; નિકાસ પણ ઘટી ગઈ
રિયેનની આ સિદ્ધિ વિશે વાત કરતાં પિતા ભાવેશભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને કહ્યું કે “મને ખૂબ આનંદ થાય છે કે મારો દીકરો પ્રગતિના પંથે છે અને મને એ વાતનો ગર્વ છે.”
ઉલ્લેખનીય છે કે આટલી નાની ઉંમરે આવી મોટી સિદ્ધિ સર કરવી કંઈ ખાવાના ખેલ નથી. આજે રિયેનની મહેનત અને પોતાના વિષય પ્રત્યેની લગન રંગ લાવી છે.
