ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જૂન ૨૦૨૧
મંગળવાર
માતૃભાષા ગુજરાતીની શાળાઓના ઉત્કર્ષ માટે છેલ્લાં ૧૦ વર્ષથી કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠને વૅકેશનમાં વિદ્યાર્થીઓ માટે એક નવો અને અનોખો ઉપક્રમ શરૂ કર્યો છે. સંગઠને ‛જુઓ, માણો અને મેળવો’ સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકે આપેલો વીડિયો જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે સૌથી વધુ વખત સાચા જવાબ આપનાર સ્પર્ધકને સ્મૃતિચિહ્ન આપવામાં આવશે.
આ સ્પર્ધા અંતર્ગત રોજ એક વીડિયો અને સાથે એ વીડિયોને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. આ સ્પર્ધા ૧૦ જૂન, ૨૦૨૧ -ગુરુવારે શરૂ થશે. આ સ્પર્ધા એક પખવાડિયા (૧૫ દિવસ)ના પાંચ ભાગમાં ચાલશે. એક ભાગમાં સાત કે એથી વધારે દિવસ સુધી સ્પર્ધામાં નિયમિતપણે ભાગ લેનાર સ્પર્ધકને ઈ-પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
સૌથી વધુ દિવસ સુધી સમયસર ભાગ લેનાર તેમ જ સૌથી વધારે પ્રશ્નોના સાચા જવાબ આપનાર સ્પર્ધક વિજેતા બનશે. આખી સ્પર્ધાનું આયોજન ઑનલાઇન મુંબઈ ગુજરાતી સંગઠનની વેબસાઇટ www.mumbaigujarati.org પર થશે. સ્પર્ધાના જવાબ મોકલવાની લિન્ક સવારે ૧૧થી રાતે ૧૧ સુધી જ ખુલ્લી રહેશે.
આ બાબતે વધુ વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનની યુવાટીમના પાર્થ લખાણીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “વૅકેશન દરમિયાન વિદ્યાર્થીઓ તરફથી સતત કોઈ સ્પર્ધાનું આયોજન કરવાની વિનંતી મળતી હોવાથી આ સ્પર્ધાનું આયોજન અમે કર્યું છે.” અગાઉ સંગઠને અનેક સ્પર્ધાઓ યોજી હતી એના અને બીજા ઘણા વીડિયો સંગઠન પાસે ઉપલબ્ધ હતા. આ વીડિયો દ્વારા બાળકોને જ્ઞાન મળે અને બાળકો પ્રવૃત્તિમય રહે એ હેતુસર આ પ્રકારની સ્પર્ધા રાખવમાં આવી છે.
જાણો પૂનામાં આજે પણ ધમધમતી ગુજરાતીઓના પ્રતીક સમી આ ગુજરાતી શાળાને; ટૂંક સમયમાં પૂર્ણ થશે ૧૦૦ વર્ષ
આ સ્પર્ધામાં સહભાગી થવા અને સ્પર્ધાની વધુ વિગત જાણવા આપ સંગઠનની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.