
નાથ! એક પ્રશ્ન પૂછીએ? પ્રભુ કહે પૂછો. ગોપીઓ પૂછે છે:-તમે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ બતાવ્યો, પણ તે ધર્મનું પાલન કરવાથી શું ફળ મળે છે? શ્રીકૃષ્ણ કહે છે:-તેનાથી મન શુદ્ધ થાય છે. ગોપીઓ પૂછે છે:-જેનું મન શુદ્ધ થાય તેને શું મળે છે? શ્રીકૃષ્ણ કહે છે:-તેને પરમાત્મા મળે છે. ધર્મનું પાલન ચિત્તશુદ્ધિ માટે છે. ચિત્તશુદ્ધિનું ફળ છે પ્રભુમિલન. ગોપીઓ કહે છે:-તમે તો અમને મળ્યા છો. પછી એ ચક્કરમાં અમે શા માટે ફસાઇએ ? ધર્મનું પાલન કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે, અને ચિત્તશુદ્ધિ થયા પછી ઇશ્વર મળે છે. તમે-ઈશ્વર અમને મળ્યા છો. સાચા પતિ આપ છો. આપ અમારો ત્યાગ ન કરો. શ્રીકૃષ્ણ કહે છે:-મેં તમને પતિવ્રતા સ્ત્રીનો દાખલો આપ્યો, કે ઘરમાં રહી તેણે કેવી સિદ્ધિ પ્રાપ્ત કરેલી. તમે પણ તેવી સિદ્ધિ પ્રાપ્ત કરો. પુરૂષ કરતાં સ્ત્રીને સિદ્ધિ સુલભ છે. ઘરમાં રહીને, ઘરના પ્રત્યેક જીવને ઈશ્વરરૂપે માની, શરીર ઘસી નાખે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પૈસો કમાતાં પુરુષ જે કાંઈ પાપ કરે છે, તેમાં સ્ત્રીનો ભાગ નથી હોતો. પણ જે કાંઈ પુણ્ય કરે છે તેમાં પત્નીને ભાગ મળે છે. પણ કેવી રીતે સ્ત્રીને પુણ્યમાં ભાગ મળે છે? જે સ્ત્રી પતિને પરમાત્મા ગણી તેની સેવા કરે છે, તેને પતિના પુણ્યમાં ભાગ મળે છે. સ્ત્રીધર્મ શ્રેષ્ઠ છે. સ્ત્રી પોતાનાં બાળકોને ધર્મનું શિક્ષણ આપે, એ જ તેની મોટામાં મોટી સેવા છે. પતિની સેવાથી ચિત્તશુદ્ધિ અને ચિત્તશુદ્ધિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ગોપીઓ કહે છે:-નાથ! કથા કરતાં તમને જ આવડે છે એવું નથી, અમને પણ કથા કરતાં આવડે છે. આગાઉના જન્મમાં અમે બધું અનુભવી ચૂકયા છીએ. કથા કરી કરીને થાક્યા. પ્રવચનો ખૂબ કર્યાં. પણ તમારો અનુભવ ન થયો. એટલે અમે ઋષિઓ ગોપીઓ થઈ, ગોકુળમાં આવ્યા છીએ. હવે અમારી કથા આપ સાંભળો. એક પતિવ્રતા સ્ત્રી હતી. તેણે પતિને કહ્યું, તમારો વિયોગ મારાથી સહન થશે નહિ. એક વખત એવું થયું, તેના પતિને પરદેશ જવાનું થયું. પત્નીએ પતિને કહ્યું:-મને સાથે લઈ જાવ, મને બિલકુલ અલગ ન કરો. પતિએ કહ્યું:-દેવી એ શકય નથી. મારે ધંધાના કામ અંગે જવાનું છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૭
પરંતુ તને હું એક ઉપાય બતાવું છું, તેથી તને મારો વિયોગ નહિ લાગે. ઘરમાં મારો ફોટો છે. તે ચિત્રમાં મારી ભાવના દઢ કર. માન કે હું ઘરમાં જ છું. જયારે જયારે મારું સ્મરણ થાય ત્યારે ત્યારે ચિત્રની પૂજા કરજે અને માનજે કે હું ઘરમાં જ છું. તેનો પતિ પરદેશ જાય છે. પતિ પરદેશમાં હોય ત્યારે પતિવ્રતા સ્ત્રી પતિના ચિત્રમાં પતિની ભાવના રાખી, પ્રેમમાં તન્મય બને છે. પતિવ્રતા સ્ત્રી રોજ ચિત્રની પૂજા કરે છે. બે મહિના પછી તેના પતિદેવ ઘરે આવ્યા. પત્ની ચિત્રમાં તન્મય થઇ હતી. પતિ આવ્યા, તે હવે ચિત્રમાં પતિની ભાવના કરશે કે દોડતી જઈને દ્વાર ઉઘાડશે? જવાબ આપો. પ્રભુએ કહ્યું છે:-તે દોડતી જઈને પતિને મળશે, તેમાં શુ પૂછવાનું હોય? ગોપીઓ કહે:-નાથ! તમારા મોઢે ન્યાય થઈ ગયો. ઘરના પતિઓ કાગળના ચિત્ર જેવા છે. પતિ પરમાત્મા મળ્યા પછી લૌકિક પતિ એ ચિત્ર જેવો છે. તેથી હવે કોઈના સામે જોવાની ઈચ્છા નથી. આપ ઇશ્વર મળ્યા, જીવ ઉપર નિઃસ્વાર્થ પ્રેમ કરનાર સાચા પતિ મળ્યા તે પછી લૌકિક પતિની સેવા કરવાની હોય નહિ. તમારા દર્શન થયાં, પછી લૌકિક પતિમાં શું ભાવના રાખવી? તે શા કામનો? લૌકિક પ્રેમમાં હંમેશ સ્વાર્થ અને ક્પટ હોય છે. ઘરે જઇને એમ કહેતા નહિ કે લૌકિક પતિ કાગળિયા જેવા છે. જ્યાં સુધી પરમાત્માના પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યાં સુધી પતિમાં પરમેશ્વરની ભાવના કરવાની, જ્યારે પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે પતિમાં પરમેશ્વરની ભાવના ન રાખો તો ચાલે. પ્રત્યક્ષ જેને પરમાત્મા ન દેખાય તે પતિમાં પરમાત્માની ભાવના રાખે. ઈશ્વર પ્રત્યક્ષ દેખાય પછી તેને કોઈ વસ્તુમાં ઇશ્વરની ભાવના કરવાની હોય નહિ. ભાવના સંયોગમાં કરવાની હોતી નથી. ભાવના વિયોગમાં થાય. ગોપીઓ કહે છે:-નાથ અમે સર્વનો એટલે સ્ત્રીત્વનો પણ ત્યાગ કરીને આવ્યા છીએ. જે સ્ત્રી નથી, જે પુરૂષ નથી, જે માત્ર ચેતન આત્મા છે તેને ધર્મ ક્યો? તેને સ્ત્રી ધર્મનું પાલન કરવાની જરૂર નથી. નાથ! જે સ્ત્રી હોય તે સ્ત્રીધર્મનું પાલન કરે. હું તો શુદ્ધ ચેતન આત્મા છું. આત્માનો ધર્મ છે, પરમાત્માને મળવું. પરમાત્મા ન મળે ત્યાં સુધી ધર્મ પાળવાનો, ધર્મ પાળવાથી મન શુદ્ધ થાય છે. ધર્મ પાળવાથી પાપ બળે છે. મન શુદ્ધ થાય, પાપ બળે, એટલે પરમાત્માનાં દર્શન થાય છે, પરમાત્મા મળે છે. ત્યારે તમે તો અમને મળેલા છો. આવા પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા છે, સાચા પતિ મળ્યા છે. હવે સ્ત્રી ધર્મ પાળવાની જરૂર નથી, કે હવે ઈતરમાં ભાવના કરવાની રહી નથી. આપનાં દર્શન થતાં ન હતાં ત્યાં સુધી બીજામાં અમે તમારી ભાવના કરતાં હતાં. હવે તમને છોડીને ધર્મને વળગવા કયાં જઇએ? તમે સાધ્ય છો, ધર્મ તો સાધન છે, અમે સ્વ-ધર્મનું પાલન કર્યું. એટલે તો તમારો સાક્ષાત્કાર થયો. આપના ચરણની વગર મૂલ્યની દાસીઓ છીએ. નાથ, નિષ્ઠૂર ન બનો. અમારો ત્યાગ ન કરો.