
સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીનાં દર્શન માટે આતુર હોય છે, તેમ આ ભક્તોનાં દર્શન કરવા માટે ભગવાન પણ આતુર હોય છે.
ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા.ત્યાં સામે ઉભા છે. પણ ધ્રુવજી આંખ ઉઘાડતા નથી.ભગવાને વિચાર્યું, આમ કયાં સુધી ઊભો રહીશ? ધ્રુવજીના હ્રદયમાં જે તેજોમય સ્વરૂપ પ્રગટ હતુંતે હ્રદયમાંથી અંતર્ધાન કર્યું, ધ્રુવ બહુ અકળાયા, તે દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું?આંખ ઉઘાડી તો
ચતુર્ભુજ નારાયણકી જય.
ધ્રુવજી દર્શન કરતા નથી.દર્શનથી ઠાકોરજીને પી જાય છે. બોલવાની ઈચ્છા છે, પણ ભણેલા નહિ એટલે બોલી કેવી રીતે શકે?ભગવાનનાં હાથમાં શંખ હતો તે વડે બાળકના ગાલને સ્પર્શ કર્યો, સરસ્વતી જાગૃત કરી. ધ્રુવજીએ સ્તુતિ કરી:-
યોડન્ત: પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંગ્જીવયત્યખિલશક્તિધર: સ્વધામ્ના ।
અન્યાંશ્ર્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન્ પ્રાણાન્નમો ભગવતે પુરુષાયતુભ્યમ્ ।।ભા.સ્કં.૪.અ.૯.શ્ર્લો.૬.
પ્રભો! આપ સર્વશક્તિ-સંપન્ન છો. તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને, તમારા તેજથી મારી આ સુષુપ્ત વાણીને સજીવ કરો છો. તથા હાથ, પગ, કાન, ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયો તેમજ પ્રાણોને પણ ચેતના આપો છો.એવા અંતર્યામી ભગવાનને હુંપ્રણામ કરુંછું.
મારી બુદ્ધિમાં પ્રવેશી મારી મન-બુદ્ધિને સત્કર્મની પ્રેરણા આપનાર મારા પ્રભુને વારંવાર વંદન કરુંછું.
આપે કરેલા ઉપકારો જાણનારો મનુષ્ય આપને કેમ ભૂલી જાય છે? તમને જેઓ ભજતા નથી એ ખરેખર કૃતઘ્ની છે. તમે તો મનુષ્યને જન્મમરણથી મુક્ત કરનારા છો.આપને જે લોકો કામાદિ વિષયો માટે ભજે છે, તેઓ મૂર્ખ છે. કલ્પવૃક્ષરૂપ આપને તેઓ ભજે છે.છતાં દેહથી ઉપયોગ કરવા, યોગ્ય સુખોને ઈચ્છે છે. કે જે વિષય સંબંધી સુખ પ્રાણીને નરક્માં પણ મળે છે.
તમે કૃપા કરો, તો જ આ જીવ તમને ઓળખી શકે છે.નાથ!તમે કૃપા કરો છો,ત્યારે આ જીવ તમારાં દર્શન કરી શકે છે.તમને મેળવી શકે છે.
કેવળ સાધનથી ઇશ્વરનાં દર્શન થતાં નથી. કનૈયો તો કૃપાસાધ્ય છે.સાધનસાધ્ય નથી.પરમાત્મા કૃપાસાધ્ય છે, એટલે એવું નહિ કે સાધન નહિં કરવાનું. સાધન કરો પણ સાધનનો ભરોસો ન રાખો.સાધનનું અભિમાન ન રાખો. સાધન તો કરવાનું જ છે. સાધન કરતાંજીવ થાકી જાય.સાધન કરતાં દીન થયેલો જીવ જ્યારે રડી પડે છે, ત્યારે ભગવાન કૃપા કરે છે.
Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૪૨
તેથી તો ઉપનિષદમાં કહ્યુંછે કે:-નાયમાત્મા પ્રવચનેન લભ્યોન મેધયાન બહુનાશ્રુતેન।
યમૈવૈષ વૃણુતે તેન લભ્ય સ્તસ્યૈષઆત્માવિવૃણુતેતનૂંસ્વામ્।।
આ આત્મા વેદોના અભ્યાસથી નથી મળતો.ન તો બુદ્ધિની ચાતુરીથી અથવા બહુ શાસ્ત્ર સાંભળવાથી. પરંતુ જેનું આ આત્મા વરણ કરે છે (પસંદ કરે છે) તેને આ આત્માની પ્રાપ્તિ થાય છે, આત્મા તેને પોતાનુંસ્વરૂપ દેખાડે છે.
સાધ્યની પ્રાપ્તિ કર્યા પછી, કેટલાક સાધનની ઉપેક્ષા કરે છે. સાધનની ઉપેક્ષા થાય એટલે ફરી માયા તેમનામાં પ્રવેશ કરે છે. અદ્વૈતભાવ સિદ્ધ થયા પછી પણ વૈષ્ણવો ભગવાનની ભક્તિ કરે છે.ઈશ્વર પ્રાપ્તિ પછી પણ મનુષ્યે સાધન તો ન જ છોડવું.અરે સાધનની એવી ટેવ પડી જાય છે કે તે છૂટતું જ નથી, તુકારામે કહ્યું છે કે:-આધિ કેલાસત્સંગ,તુકા ઝાલા પાંડુરંગ ।
ત્યાચે ભજન રાહિના,મૂલ સ્વભાવ જાઈના।।
સત્સંગથી તુકારામ પાંડુરંગ જેવો બન્યો છે.તેને ભજન કરવાની હવે જરૂર નથી.પણ તુકારામને ભજનની એવી ટેવ પડી છે કે ભજન છૂટતુંજ નથી.
આરંભમાં સત્સંગ કર્યો અને તુકારામને જપ કરવાની આજ્ઞા થઈ. જપ કરતાં ભગવાનનાં દર્શન થયાં.પછી ભગવાને કૃપા કરી. હવે તુકારામ અને પાંડુરંગમાં ભેદ નથી. તેમ છતાં હવે એવી ટેવ પડી છે કે, ભજન છૂટતુંનથી.આવી સ્થિતિએ પહોંચ્યા પછી પણ જ્ઞાની ભક્તો ભક્તિ છોડતા નથી. જ્ઞાની ભક્તોની ભક્તિ વ્યસનરૂપ બને છે. ભક્તિ વ્યસનરૂપ બને તો બેડો પાર છે.
તમારાં દર્શન થયાં પછી સાચા જ્ઞાનીઓ તમારી ભક્તિ છોડી શકતા નથી. તમારાં દર્શન થયા પછી જે તમારું સેવાસ્મરણ કરતો નથી તે કૃતઘ્ની છે. શુકદેવજીને કોઈ કહે કે એક ક્ષણ રાધાકૃષ્ણનુંધ્યાન છોડી દો,તો તેઓ તે ધ્યાન છોડવા તૈયાર નથી. અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા પછી ભજન છોડી શકાતું જ નથી.
ધ્રુવકુમારે સુંદર સ્તુતિ કરી છે. નાથ! એવી કૃપા કરો કે તમારા લાડીલા ભક્તો તમારાં દર્શન અને સ્મરણ કરતાં તમારી કથા કરે તે સાંભળવાનો સુયોગ મને મળે. તે આનંદ યોગીઓના બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. કેવળ વિદ્વાન કથા સંભળાવે તે ઈચ્છા છે, એમ ધ્રુવકુમાર બોલ્યા નથી.પણ જેનું હ્રદય શ્રીકૃષ્ણપ્રેમમાં પીગળેલું છે, તેવો કથાકાર કથા સંભળાવે, જ્ઞાનીભક્ત કથા કરે અને ભક્તહ્રદયવાળા કથા કરે તેમાં અંતર છે. તમારી કથાનો આનંદ બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. શ્રીધરસ્વામીને આ શ્લોકનો, અર્થ કરતાં મુશ્કેલી પડી છે. ઉપનિષદના સિદ્ધાંત સાથે થોડો વિરોધ અત્રે આવે છે.ઉપનિષદમાં કહ્યું છે. બ્રહ્માનંદ સર્વથીશ્રેષ્ઠછે. બ્રહ્માનંદથી કોઈ આનંદ શ્રેષ્ઠ હોઈ શકે નહિ. તૈત્તરીય ઉપનિષદમાં આનંદનુંવર્ણન કરેલુંછે. મનુષ્યના આનંદ કરતાં ગંધર્વોંનો આનંદ શ્રેષ્ઠ છે. તેનાથી શ્રેષ્ઠ સ્વર્ગના દેવોનો આનંદ. દેવો કરતાં ઈન્દ્રનો આનંદ શ્રેષ્ઠ છે. ઈન્દ્રથી બૃહસ્પતિનો આનંદ સો ગણો શ્રેષ્ઠ છે.પણ બ્રહ્માનંદ સર્વથી શ્રેષ્ઠ છે. જે નિષ્કામ નિર્વિકાર છે. જેના મનનો નિરોધ થયો છે, તેને જે આનંદ મળે છે તે, બ્રહ્માનંદ એ સર્વથી શ્રેષ્ઠ છે. જેની બ્રહ્માકાર વૃત્તિ થઈ છે એવા યોગીઓને જે બ્રહ્માનંદ મળે છે તે આનંદ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી “હું છુંતુંછે” ત્યાં સુધી શ્રેષ્ઠ આનંદ મળતોનથી. બ્રહ્માનંદ થાય છે ત્યાં જગત રહેતું નથી.