
મારા પરાયણ કર્તા રહીને, મારી પવિત્ર કથાઓનું શ્રવણ, કીર્તન કરે તથા મારામાં ચિત્ત લગાવીને રહે એટલે ભક્તિનો
વિકાસ થાય છે. ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દૃઢ થાય છે. તે પછી ભગવાન તરફ આસક્તિ વધે છે. આસક્તિ વધે એટલે
વ્યસનાત્મિકાભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ વ્યસનરૂપ બને ત્યારે, એને મુક્તિ સુલભ થાય છે. ભક્તિ જ્યારે વ્યસન જેવી તીવ્ર બને
છે, ત્યારે તે ઈશ્વર પાસે લઈ જાય છે.
મા! તીવ્ર ભક્તિ વગર મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મિકા ભક્તિ.
એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત ન થાય એ ભક્ત. વ્યવહારનું કાર્ય કરતી વેળાએ પણ ભગવાનથી વિભકત ન થાય
તેનું નામ ભક્તિ. તીવ્રેણ ભક્તિયોગેન ।
માતા દેવહૂતિને તીવ્ર ભક્તિ કરવા આજ્ઞા આપી છે. તીવ્રભક્તિ એટલે ઇશ્વરથી એક પણ ક્ષણ વિભક્ત ન થવું તે.
આ પ્રકારે પ્રકૃતિના ગુણોમાંથી ઉત્પન્ન થયેલા શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને, વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારા
પ્રતિ કરવામાં આવેલી સુદૃઢ ભક્તિથી, મનુષ્ય આ જ શરીરમાં પોતાના અંતરાત્મા એવા મને, પ્રાપ્ત કરી લે છે.
પરંતુ ભગવાનની અહૈતુકી ભક્તિ નિષ્કામ ભક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે.
કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે:- આ બધું દેખાય છે તે સાચું નથી. સ્વપ્ન ખોટું છે છતાં સુખદુ:ખ આપે છે. જેમ
સ્વપ્ન જોનાર મનુષ્યને પોતાનું મસ્તક છેદાયા વિના પણ તે છેદાયું એવી ભ્રાંતિ થાય છે અને તે રડે છે, તેમ જીવાત્માને અવિદ્યા
વડે સર્વે પ્રકારની ભ્રાંતિ થાય છે. આને માયા કહે છે. સ્વપ્નમાં કોઈ વસ્તુ નથી છતાં દેખાય છે, તેવી રીતે જાગૃત અવસ્થામાં
તત્ત્વદૃષ્ટિથી કાંઈ ન હોવા છતાં માયાથી, અજ્ઞાનથી બધું ભાસે છે.
મા! જગત સ્વપ્ન જેવું છે, આ સિદ્ધાંત ભાગવતમાં વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે જગતના પદાર્થોમાં મોહ
ન થાય. સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે એટલે આ પ્રમાણે કહેવામાં આવે છે.
સંસારના સુખો ભોગવવાની લાલસા હોય, ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જાગતાને કનૈયો મળે છે. સુખ ભોગવવાની
ઈચ્છા મહાન દુ:ખ છે. ભગવતધ્યાનમાં જગત ભૂલાય ત્યારે બ્રહ્મસંબંધ થાય છે. ધ્યાનમાં પ્રથમ શરીરને સ્થિર કરો, આંખને સ્થિર
કરો, મનને સ્થિર કરો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧૯
શરીર અને આંખ સ્થિર ન થાય ત્યાં સુંધી મન સ્થિર થતું નથી. આંખમાં શ્રીકૃષ્ણ સ્થિર થાય ત્યારે મન શુદ્ધ થાય છે.
ભાગવત ગોવર્ઘનનાથનું સ્વરૂપ છે. તે શ્રીકૃષ્ણના સ્વરૂપમાં ધ્યાન રાખી કથા સાંભળો. આંખ શ્રીકૃષ્ણમાં અને પ્રાણને કાનમાં
રાખી કથા સાંભળો.
જેને ધ્યાન કરવું છે, તે એક આસને બેસે. ધ્યાનમાં મનને સ્થિર કરવું. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી બહાર
કાઢો.
ધ્યાન કરવાથી મન સ્થિર થાય છે. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહિ.
ભોગભૂમિમાં રહી ભગવાનનું ધ્યાન કરવું કઠણ છે. સંસારમાં રહી જ્ઞાન–ભક્તિમાં નિષ્ઠા રાખવી મુશ્કેલ છે. ભૂમિની
અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું.
માતા! જેને ઘ્યાન કરવું છે, તે, પવિત્ર અને પરિમિત અન્નનું સેવન કરે, આહાર અલ્પ અને સાત્ત્વિક હોવો જોઇએ. જેનું
પેટ ભારે થાય, પેટમાં અજીર્ણ થાય તે બ્રહ્મચર્ય પાળી શકતો નથી.
મા! જેને ધ્યાન કરવું છે તે ચોરી ન કરે. અસ્તેયમ્ । અનેક વાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે. પારકી વસ્તુ
જોઈ, મનથી તેનું ચિંતન કરે એ ચોરી છે. ધ્યાન કરવું છે, તેણે બ્રહ્મચર્ય પાળવું જોઇએ. સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ.
શરીરથી બ્રહ્મચર્ય ઘણા પાળે છે, પણ મનથી પાળતા નથી. મનથી બ્રહ્મચર્યનો ભંગ, શરીરથી બ્રહ્મચર્યનો ભંગ કર્યા સમાન જ
છે. ચોરી આંખથી કરો કે મનથી કરો આખરે તો ચોરી જ છે. માટે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવાનું. માત્ર શરીરથી જ નહિ,
મનથી પણ બ્રહ્મચર્ય પાળો, એક દિવસ બ્રહ્મચર્યનો ભંગ થાય છે તો, ચાલીસ દિવસ સુધી મન સ્થિર થતું નથી. દેહનું ભાન છે,
ત્યાં સુધી ધર્મ છોડવો નહિ.
તે પછી ધ્યાનની વિધિ બતાવી. જેનું આગળ વર્ણન થઈ ગયું છે.
માતા દેવહૂતિને કપિલ ભગવાને ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થતો નથી. રાત્રે સૂતા
પહેલાં પરમાત્માનું ધ્યાન કરો.
મા! પરમાત્માના અનેક સ્વરૂપો છે. તેમાંથી કોઇને ઈષ્ટદેવ માની તેનું ધ્યાન કરો.
વ્યાસજીએ કોઈ પણ ખાસ સ્વરૂપનું ધ્યાન કરવાનો આગ્રહ રાખ્યો નથી. પણ તમને જે સ્વરૂપ ગમે તેનું ધ્યાન કરો.