
તતસ્ત્વતિવ્રજય સુરાષ્ટ્રમૃદ્ધં સૌવીરમત્સ્યાન્ કુરુજાઙ્ગલાંશ્ર્ચ ।
કાલેન તાવદ્યમુનામુપેત્ય તત્રોદ્ધવં ભાગવતં દદર્શ ।।
કૌરવોનું જેટલું પુણ્ય હતું તે લઈને ગયા. કારણ કૌરવોએ તેમનું અપમાન-નિંદા કરેલી. તમારી કોઈ નિંદા કરે અને તે
સહન કરશો તો તમારું પાપ તેના માથે જશે અને તેનું પુણ્ય તમને મળશે.
જે દિવસે તીર્થમાં જાવ તે દિવસે ઉપવાસ કરજો. પવિત્ર બ્રાહ્મણનું અપમાન કરે તેની તીર્થયાત્રા સફળ થતી નથી.
ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, પાપ બળે છે, શરીરમાં સાત્ત્વિકભાવ જાગે છે. વિદુરજી દરેક તીર્થમાં ઉપવાસ કરે છે અને
વિધિપૂર્વક સ્નાન કરે છે.
જાત્રા કેવી રીતે કરવી તે વિદુરજીએ બતાવ્યું છે:-
ગાં પ્રર્યટન્મેધ્યવિવિક્તવૃત્તિ: સદાડડપ્લુતોડધ:શયનોડવધૂત: ।
અલક્ષિત: સ્વૈરવધૂતવેષો વ્રતાનિ ચેરે હરિતોષણાનિ ।।
અવધૂતવેષમાં તેઓ પૃથ્વી ઉપર ફરતા હતા કે જેથી સગાંસબંધીઓ તેમને ઓળખી શકે નહિ. તેઓ શરીરને શણગારતા
ન હતા. પવિત્ર અને સાદું ભોજન કરતા, શુદ્ધવૃત્તિથી જીવનનિર્વાહ કરતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા. ભૂમિ ઉપર શયન કરતા,
અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતો કરતા.
સંતો તીર્થને પાવન કરે છે. ભારદ્વાજ મુનિ ગંગાસ્નાન કરવા આવે, ત્યારે ગંગાજી ૨૫ પગથિયાં ઉપર આવે છે. ગંગાજી
જાણે છે કે બીજાઓ મારામાં પાપ નાખવા આવે છે, ત્યારે આ મુનિ મને પાવન કરવા આવે છે.
અતિ સંપત્તિ અનર્થ કરતી હોવાથી ભગવાને સોનાની દ્વારકા ડુબાડી દીધી હતી.
બેટ દ્વારકાની ભગવાનની મૂર્તિ મનોહર છે. સ્વરૂપ અદ્ભુત છે, જોતાં મન ધરાતું નથી. દ્વારકાધીશનાં દર્શન કરજો.
કાશીનું માહાત્મ્ય પણ ઘણું છે. કાશીના પ્રમુખ દેવ છે ભૈરવનાથ. વિશ્ર્વેશં માધવં ઢુઢિં દંડપાણિં ચ ભૈરવમ્ ।।
આ શ્લોક રોજ બોલે તો કાશીમાં રહ્યાનું ફળ મળે છે. કાશીમાં નવ માસ રહે તો તેનો પુનર્જન્મ થતો નથી, કાશીના
મણિકર્ણિકા ઘાટ ઉપર આ શ્લોક લખ્યો છે:-
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૮
મરણં મંગલં અત્ર, સફલં અત્ર જીવીતમ્
શિવજી જ્ઞાનના મુખ્ય દેવ છે. કાશીમાં જ્ઞાન જલદી સિદ્ધ થાય છે. તમારે જ્ઞાન મેળવવું હોય તો સ્મશાનમાં રહેવું પડશે.
સ્મશાન એ જ્ઞાનભૂમિ છે. સ્મશાનમાં રહેવાની જરૂર નથી, તેને યાદ કરવાની જરૂર છે. દિવસમાં બે-ચાર વાર સ્મશાનને યાદ
કરશો તો બુદ્ધિમાં ફેર પડશે. કલ્પના કરો હું કાશીમાં છું, મનથી જ ગંગામાં ડુબકી મારો. કળિયુગમાં મનથી સત્કર્મ કરે તો પણ
પુણ્ય મળે છે.
તીર્થ ક્ષેત્રોમાં ગયાજી એ પિતૃગયા નામનું પ્રસિદ્ધ તીર્થ છે. ગયાજીમાં અનેક શ્રાદ્ધ કરવાં પડે છે, પહેલું શ્રાદ્ધ ફલ્ગુની
કિનારે કરવું પડે છે. અને છેલ્લું શ્રાદ્ધ અક્ષયવટ નીચે કરવામાં આવે છે. જ્યાં કરારવિન્દેન્ પદારવિન્દે બાલ કૃષ્ણ વિરાજે છે. શ્રાદ્ધ
કરાવનાર બ્રાહ્મણ એક વસ્તુનો ત્યાગ કરાવે છે. પછી ભગવાન પાસે કાંઈક માગવાનું કહે છે. પહેલાં ત્યાગ કરવાનો અને પછી
માગવાંનું. જે ભગવાન માટે ત્યાગ કરે, તેને જ ભગવાન પાસે માગવાનો અધિકાર છે. ઘણા ખરા લોકો જે ન ભાવતું હોય તે
છોડવાનો નિયમ લે છે. કોઈ રીંગણા ખાવાનું છોડે, તો કોઈ કાંરેલા ખાવાનું છોડે છે. આવા સામાન્ય ફળ-શાક ખાવાનું છોડવાથી
લાભ થતો નથી. પાપ વિકાર છોડો તો લાભ છે. એમ કહો કાશીવિશ્વનાથનાં દર્શન કરી, મેં કામ છોડી દીધો છે. ગોકુળ મથુરાની
જાત્રા કરી, મેં ક્રોધ છોડી દીધો છે. એક એક તીર્થમાં એક, એક પાપ છોડવાનું હોય છે. એક એક ત્યાગ કરવાનો હોય છે. પરમાત્મા
માટે અતિપ્રિય વસ્તુનો ત્યાગ કરશો તો પરમાત્માને દયા આવશે.
કાશી એ જ્ઞાનભૂમિ છે. અયોધ્યા વૈરાગ્યભૂમિ છે. વ્રજ એ પ્રેમભૂમિ છે. વ્રજરજમાં શ્રીકૃષ્ણ પ્રેમ ભરેલો છે.
નર્મદાનો કિનારો એ તપોભૂમિ છે. રેવાતીરે તપ: કુર્યાત્ । જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે નર્મદા કિનારે સિદ્ધ થાય છે.
તીર્થમાં ક્રોધ ન કરો, તીર્થમાં બ્રહ્મચર્ય જેવાં વ્રતો પાળવા જોઇએ, તો જ તીર્થયાત્રાનું ફળ મળે છે.
યાત્રા કરતાં કરતાં વિદુરજી યમુના કિનારે વૃન્દાવનમાં આવ્યા છે. ઠાકોરજી તમને અનુકુળતા આપે તો ચાર માસ
વૃન્દાવનમાં રહી પ્રભુભજન કરજો. કનૈયો વ્રજમાં ખુલ્લા પગે ફરે છે. યશોદાજી સમજાવે છે વનમાં કાંટાં-કાંકરા વાગશે. તું પગમાં
જોડા પહેર. કનૈયો સમજાવે છે, મા, હું તમારે ઘરે ગાયોની સેવા કરવા આવ્યો છું. ગયા જન્મમાં રામરૂપે હું રાજાને ઘરે જન્મ્યો
એટલે મને કોઇએ ગાયોની સેવા કરવા દીધી નહિ. મેં નક્કી કર્યું, હવે ભવિષ્યમાં હું ગોવાળને ત્યાં જન્મ લઈશ અને ગાયોની સેવા
કરીશ. પાંચ વર્ષના હતા, ત્યારથી એવો નિયમ કે ગાયોને ખવડાવ્યા વગર ખાવું નહીં, મારી ગાયો ઉઘાડા પગે ફરે છે, તો હું પગમાં
જોડા કેવી રીતે પહેરું? લાલાના અનેક નામો છે. મને લાલાનું ગોપાલકૃષ્ણ નામ ગમે છે. શ્રીકૃષ્ણ વ્રજમાં ઉઘાડા પગે ફરે છે, તેથી
વ્રજરજ અતિપાવન છે. દ્વારકામાં તો રાજા હતા એટલે ખુલ્લા પગે ફરાય નહિ. વિદુરજી વ્રજની રમણ રેતીમાં આળોટે છે.
રમણરેતીમાં ગોપીઓની ચરણ રજ પડેલી. વિદુરજી મંગલમય શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરે છે. યમુના કિનારે લૌકિક વાતો
કરવી એ પાપ છે. આ ભૂમિ અતિશય પાવન છે. મારા શ્રીકૃષ્ણ ગાયોને લઈને આ ભૂમિમાં આવતા હતા. વ્રજની લીલા નિત્ય છે.
ભાગવતના પ્રમુખ ટીકાકાર શ્રીધરસ્વામીએ કહ્યું છે, ભગવાનનું નામ, લીલા, સ્વરૂપ ધામ, પરિકર નિત્ય છે. આજે પણ ભગવાન
શ્રીકૃષ્ણ વ્રજમાં રોજ લીલા કરે છે. ભગવાન કહે છે, જગતના કોઇ સ્ત્રી-પુરુષમાં, જડ પદાર્થમાં આનંદ નથી. તમે મારી પાસે
આવો. શ્રીકૃષ્ણ આનંદરૂપ છે. વિદુરજીને અનુભવ થયો. મારા શ્રીકૃષ્ણ ગાયોને લઈને યમુના કિનારે આવ્યા છે. વિદુરજીની
ભાવના એવી હતી કે તેમને સર્વ લીલા પ્રત્યક્ષ દેખાતી.