ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો ફરી એકવાર મોટા મંચ પર ટકરાવા જઈ રહી છે. ભારતીય ટીમ આવતા વર્ષે પાકિસ્તાન સામે મેદાનમાં પોતાની તાકાત બતાવશે. જોકે આ વખતે જવાબદારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર હશે, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઈઝિંગ કમિટીએ આજે ક્રિકેટ મેચોના શેડ્યૂલની જાહેરાત કરી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ મેચો 29 જુલાઈ 2022થી શરૂ થશે. આ 8 ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાર્બાડોસ ગ્રુપ Aમાં છે. તો ગ્રુપ બીમાં ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર ટીમ હશે. જેનો નિર્ણય ફેબ્રુઆરી 2022 સુધીમાં થશે. આ બંને ગ્રૂપમાંથી બે-બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે, જે 6 ઓગસ્ટ, શનિવારે રમાશે. ગેમ્સની ગોલ્ડ મેડલ મેચ 7 ઓગસ્ટ, 2022 એટલે કે રવિવારે ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 કલાકે યોજાશે. તે પહેલા બપોરે 3.30 વાગ્યાથી બ્રોન્ઝ મેડલ મેચ રમાશે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) મુજબ, ભારત પહેલી મેચમાં T20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જેની સાથે ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં T20 સિરીઝ રમી છે. તો, ભારતની બીજી મેચ 31 જુલાઈએ પાકિસ્તાન સામે થશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 3 ઓગસ્ટે બાર્બાડોસ સામે થશે. બીજી તરફ, યજમાન ઈંગ્લેન્ડ તેની પ્રથમ મેચ 30 જુલાઈએ ક્વોલિફાયર ટીમ સામે રમશે. 8 દિવસમાં કુલ 16 મેચો રમાશે. કોમનવેલ્થ ગેમ્સની તમામ ક્રિકેટ મેચો બર્મિંગહામના પ્રખ્યાત એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
નોંધનીય છે કે 1998 પછી પ્રથમ વખત ક્રિકેટ સાથે સંકળાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે મહિલા T20 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સહિત 8 ટીમો ભાગ લઈ રહી છે અને ભારત તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે રમશે.