ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
IPL માં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ પ્રદર્શન સારું ન રહેતા સોશિયલ મીડિયા પર શખ્સોએ ધોનીની 5 વર્ષની દિકરીને દુષ્કર્મની ધમકી આપી છે. KKR સામે CSK ની હાર થતા ટ્રોલર્સ ભાન ભૂલ્યા છે. ધોની અને ધોનીના પત્ની સાક્ષીના અકાઉન્ટ પર ધમકી લખી છે. ત્યારે હવે આ ઘટનાને પગલે આવા શખ્સો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. ધોનીના ફોલોઅર્સે ધમકી આપનાર સામે બળાપો કાઢ્યો છે.
IPL માં આ સીઝન MS ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નઈ સુપરકિંગ્સનું પ્રદર્શન આ સીઝન થોડું ફીક્કુ દેખાઇ રહ્યું છે. જણાવી દઈએ કે, આઈપીએલની 13મી સીઝનમાં ધોનીનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સ અત્યારસુધી 6 મેચ રમી ચુકી છે. જેમાંથી તે માત્ર બે મેચોમાં જીત મેળવી શક્યું નથી. જ્યારે 4 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે સૌ કોઈ જાણે છે કે હાર જીત એ માત્ર એક રમતનો ભાગ છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે ધોનીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ વાત ત્યારે બગડી જ્યારે કેટલાક ખરાબ માનસિકતાના ટ્રોલર્સે ધોનીની 5 વર્ષની દીકરીને સોશિયલ મીડિયા પર રેપની ધમકી આપી દીધી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ટ્રોલર્સની આ કરતૂત વિરૂદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો છે. પૂર્વ ભારતીય ઝડપી બોલર અને ક્રિકેટ કોમેન્ટેટર ઇરફાન પઠાણે પણ આવા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
પઠાણે એક ટ્વિટ કરી લખ્યું છે કે, ‘તમામ ખેલાડી પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યા છે. ક્યારેક તે કામ ન પણ કરે, પરંતુ તેનાથી કોઇને એ અધિકાર નથી મળી જતો કે તેઓ નાના બાળકોને કોઇપણ પ્રકારની ધમકી આપે.’ દરમિયાન અભિનેત્રી નગમાએ પણ આ મુદ્દે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીને સવાલ પૂછ્યો છે. તેણે ટ્વીટમાં લખ્યું કે, 'એક દેશ તરીકે આપણે ક્યાં ઉભા છીએ? આ ખૂબ જ શરમજનક વાત છે કે IPL માં KKR સામે ચેન્નાઈની હાર બાદ લોકોએ ધોનીની 5 વર્ષની દિકરી સાથે રેપ કરવાની ધમકી આપી દીધી. મિ. પ્રાઈમ મિનિસ્ટર આપણા દેશમાં આ શુ થઈ રહ્યું છે?' આ સાથે જ નગમાએ ટ્વીટમાં ‘#બેટીબચાવો-બેટીપઢાઓ’ નો વપરાશ પણ કર્યો છે.