ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 નવેમ્બર, 2021
સોમવાર
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અસગર અફઘાન રવિવારે નામિબિયા સામેની મેચમાં અફઘાનિસ્તાન માટે અંતિમવાર બેટિંગ કરી હતી. આ દરમિયાન નામિબિયા ટીમના ખેલાડીઓએ મેદાન પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. અફઘાનએ પોતાની અંતિમ ઇનિંગમાં 23 બોલમાં 31 રન કર્યા હતા.
અફઘાનને રૂબેન ટ્રંપલમેને માઈકલ વૈન લિંગેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આવું થયા બાદ મેદાન પર ઉપસ્થિત ખેલાડીઓએ અસગર સાથે હાથ મિલાવ્યા. ત્યારબાદ આજે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેમના સાથી ખેલાડીઓએ ઊભા રહીને સન્માન આપ્યું સાથે જ આ ભૂતપૂર્વ કેપ્ટનની વિકેટ લીધા બાદ નામિબિયાના ખેલાડીઓએ ઉજવણી પણ કરી ન હતી.
અસગરે અંતિમ ઇનિંગ રમ્યા બાદ કહ્યું હતું કે હું યુવાનોને મોકો આપવા માગું છું. યુવાઓને આગળ લાવવાનો આ ખરો સમય છે. ઘણા લોકોએ મને આ ટૂર્નામેન્ટના અંત સુધી રમવાનું કહ્યું હતું, પરંતુ મને લાગે છે કે પાકિસ્તાન સામે હાર્યા બાદ બહાર નીકળવાનો આ યોગ્ય સમય છે. મારી પાસે ઘણા બધા સ્મરણો છે.
જમણા હાથના બેટ્સમેન અસગર અફઘાને અફઘાનિસ્તાન માટે 6 ટેસ્ટ, 114 ODI અને 75 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં અનુક્રમે 440, 2424 અને 1382 રનનું યોગદાન આપ્યું છે. આ દરમિયાન તેમણે બે સેન્ચ્યુરી અને 19 અર્ધ સેંચ્યુરી પણ ફટકારી હતી.
અસગર અફઘાન હાલમાં T 20 ઇન્ટરનેશનલ માં વિશ્વનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો આ વર્ષે 41 જીતનો રેકોર્ડ તોડ્યો છે. અસગરે 52 T-20માં અફઘાનિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું. જેમાં ટીમે 42 મેચ જીતી હતી.