ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)એ ચાલુ વર્ષે રમાનારા ક્રિકેટ ટી20 વર્લ્ડકપની મેચોનુ શિડ્યૂલ જાહેર કરી દીધું છે. ક્રિકેટના નાના ફોર્મેટનો આ મહાકુંભ આગામી 16મી ઓક્ટોબરથી 13મી નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રમાશે. તમામ મેચો ઓસ્ટ્રેલિયાના સાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જેમાં બ્રિસબેન, પર્થ, એડિલેડ, સિડની, મેલબોર્ન, હોબાર્ટ અને ગિલોન્ગના ક્રિકેટ ગ્રાઉન્ડ શામેલ છે.
આઇસીસીએ ટી20 ક્રિકેટ વર્લ્ડકપ 2022ની જાહેરાત પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી કરી છે, અહીં સમગ્ર શિડ્યૂલને પોસ્ટ કરવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ 2022ના શરૂઆતના 6 દિવસોમાં એટલે કે, 16મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી ફર્સ્ટ રાઉન્ડના મુકાબલા રમાશે. ત્યારબાદ 22મી ઓક્ટોબરથી સુપર 12ના મુકાબલા શરૂ થશે. આ ટુર્નામેન્ટનો પહેલો નોકઆઉટ સેમી ફાઈનલ મુકાબલો 9 નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજો સેમી ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરના રોજ એડિલેડ ઓવલમાં રમાશે. આ બંને મુકાબલાની વિજેતા ટીમ 13 નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઈનલ મુકાબલો રમવા માટે ઉતરશે.
ખાસ વાત છે કે, આ ક્રિકેટ મહાકુંભમાં ભારત-પાકિસ્તાનની ફરી એકવાર આમને સામને ટકરાશે, આ મહાકુંભમાં ભારતીય ટીમનો પ્રથમ મેચ 23 ઓક્ટોબરે ચિરપ્રતિદ્વંદી પાડોશી દેશ પાકિસ્તાન સાથે છે. બંને ટીમ પોતાની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.
આ ટુર્નામેન્ટ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. ભારત પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશની સાથે સુપર 12માં છે, જ્યારે શ્રીલંકા, નામિબિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડની ચાર ટીમો 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા પ્રથમ તબક્કામાં ક્વોલિફાય થવા માટે એકબીજાનો સામનો કરશે. આમાંથી પસંદ કરાયેલી ટીમોને સુપર 12માં રમવાની તક મળશે. તે જ સમયે, ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે થશે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાની શરૂઆતની બે મેચો ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાપસી કરવું મુશ્કેલ બની ગયું હતું. આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં કોઈ મેચ હાર્યું હોય.
જો કે હવે વિરાટ કોહલી કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી દીધું છે અને ટી20, વનડે ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. આ પરિસ્થિતમાં રોહિત શર્મા ઉપર જ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની નૈયા પાર લગાવવાની જવાબદારી છે.