ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ભારતીય હૉકી ટીમે ફરી એક વખત હૉકીની શ્રેષ્ઠ રમત બતાવી ખૂબ જ રોમાંચક મૅચમાં જર્મનીને 5-4ના માર્જીનથી હરાવી બ્રૉન્ઝ મેડલ જીત્યો. આ જીત સાથે 41 વર્ષ બાદ ભારતે ઑલિમ્પિક હૉકીમાં મેડલનો દુકાળ સમાપ્ત કર્યો છે. આ સાથે ઑલિમ્પિક હૉકીમાં ભારતની મેડલ ટેલી 12 થઈ ગઈ છે, જેમાં આઠ ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આવું કરવાવાળી ભારત વિશ્વની એકમાત્ર હૉકી ટીમ છે.
ભારતે હૉકીમાં છેલ્લો મેડલ 1980માં મૉસ્કો ઑલિમ્પિકમાં જીત્યો હતો. એ વર્ષે ભારતે કૅપ્ટન વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1984 લોસ એન્જલસ ઑલિમ્પિકમાં હતું, જ્યાં મેન્સ હૉકી ટીમ પાંચમા સ્થાને રહી હતી.
બાપરે! કોરોના બાદ મુંબઈગરાના માથા પર ઊભું થયું આ નવું સંકટ; જાણો વિગત
ચાલો જાણીએ કે ક્યારે અને કઈ ઑલિમ્પિકમાં ભારતે હૉકીમાં મેડલ જીત્યા છે.
ભારતીય હૉકી ટીમે ઑલિમ્પિકના ઇતિહાસમાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ વર્ષ 1928માં મેળવ્યો હતો. એમસ્ટર્ડમ ઑલિમ્પિકમાં ભારતે પ્રથમ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી. ભારતે અંતિમ ગોલ્ડ મેડલ 1980માં મેળવ્યો હતો. ભારતીય પુરુષ હૉકી ટીમે આઠ ગોલ્ડ મેડલ પૈકી છ મેડલ સતત જીત્યા હતા. આમ 1928થી 1956 સુધી હૉકીની રમત પર ઑલિમ્પિકમાં ભારતનો દબદબો રહ્યો હતો.
ભારતે ફરી એક વખત 1960 રોમ ઑલિમ્પિકની ફાઇનલમાં જગ્યા બનાવી. જોકે ભારત સતત સાતમો ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગયો અને ફાઇનલમાં પાકિસ્તાનના હાથે 0-1થી હારનો સામનો કર્યો. ઑલિમ્પિકમાં ભારતનો આ પહેલો અને એકમાત્ર સિલ્વર મેડલ છે.
1964ની ટોકિયો ઑલિમ્પિકમાં ભારતે ફરી એક વાર રોમમાં ફાઇનલની હાર ભૂલીને જાદુઈ હૉકીનું પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં ફરી એક વખત પાકિસ્તાનની ટીમ તેની સામે હતી. રોમ ઑલિમ્પિકમાં હારનો બદલો લેતાં ભારતે આ મૅચમાં પાકિસ્તાનને હરાવ્યું અને ઑલિમ્પિક હૉકીમાં પોતાનો સાતમો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.
1968 મૅક્સિકો ઑલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ઑલિમ્પિક હૉકીમાં ભારતનો આ પહેલો બ્રોન્ઝ મેડલ હતો. ઉપરાંત 1928 પછી આ પ્રથમ ઑલિમ્પિક હતી, જ્યારે ભારત હૉકીની ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું ન હતું. ભારતને સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતે પશ્ચિમ જર્મની સામેની મૅચમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો. આ પછી 1972ના મ્યુનિક ઑલિમ્પિકમાં ભારતને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
કુશ્તીમાં થયો મોટો ઉલટફેર, વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલમાં હાર; હજુ આ મેડલની આશા યથાવત
1976 મોન્ટ્રિયલ ઑલિમ્પિક ભારતીય હૉકી માટે ખૂબ ખરાબ રહી હતી. આવું પ્રથમ વખત બન્યુ હતું કે ટીમ ઇન્ડિયા નૉકઆઉટ રાઉન્ડ પહેલાં બહાર થઈ ગઈ હતી. આ ઉપરાંત 1928 પછી પ્રથમ વખત એવું બન્યું કે ભારતીય હૉકી ટીમને ઑલિમ્પિકમાંથી ખાલી હાથે પરત ફરવું પડ્યું.
જોકે 1980 મૉસ્કો ઑલિમ્પિકમાં ભારતે ફરી એક વાર શાનદાર વાપસી કરી અને ફાઇનલમાં સ્પેનને હરાવીને ઑલિમ્પિક હૉકીનો આઠમો ગોલ્ડ મેડલ જીત્યો. એ ટોકિયો ઑલિમ્પિક પહેલાં ભારતનો છેલ્લો મેડલ પણ હતો અને હવે 41 વર્ષ પછી ભારતે બ્રૉન્ઝ મેડલ જીતીને હૉકીમાં મેડલનો દુકાળ સમાપ્ત કર્યો છે.
ગોલ્ડ મેડલ – 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964, 1980
સિલ્વર મેડલ – 1960
બ્રોન્ઝ મેડલ: 1968, 1972, 2020
ચક દે ઇન્ડિયા! ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, આ મેડલ સાથે દેશ પરત ફરશે