ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ધોનીની ટિમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન ચેન્નાઈની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને કમર પર ઈજા પહોંચવાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ અંગેની જાણકારી ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને જ આપી છે. કાસી વિશ્વનાથનના જણાવ્યા અનુસાર ડ્વેન બ્રાવો ઈજાગ્રસ્ત થવાના કારણે આઈપીએલની 13મી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેણે આ સીઝનમાં અત્યાર સુધીમાં છ મેચ રમી છે અને જેમાં બે ઈનિંગમાં તેણે ફક્ત છ સાત રન જ બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડ્વેન બ્રાવો આ વર્ષે આઈપીએલ 2020માંથી બહાર થનાર ચેન્નાઈ સુપર કિંગ્સનો ત્રીજો ખેલાડી છે. આ અગાઉ સુરેશ રૈના અને હરભજન સિંહ વ્યક્તિગત કારણોસર પોતે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. નોંધનીય છે કે, આ બંને ખેલાડીઓએ ટૂર્નામેન્ટ શરૂ થઈ તે અગાઉ જ પોતાના નામને પરત ખેંચી લીધું હતું.
