ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
IPL ની 13 મી સીઝનની છઠ્ઠી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ના કેપ્ટન વિરાટ કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલના બે આસાન કેચ છોડી દીધા, ત્યારથી કોહલી ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ થઇ રહ્યો છે. વિરાટને બંને કેચ છોડવા ભારે પડ્યા. રાહુલ આ મેચમાં 69 બોલમાં 132 રન બનાવ્યા બાદ અણનમ પરત ફર્યો હતો. રાહુલની આ ઇનિંગના આધારે કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં, ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. વિરાટની ગણતરી દુનિયાના સૌથી ફિટ ફીલ્ડરોમાં થાય છે અને તેની ટીમનો કોઈ ફીલ્ડર જ્યારે પણ કેચ છોડે છે ત્યારે તે ઘણો ગુસ્સે થતો જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. આ દંડ તેને કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ સ્લો ઓવર-રેટ માટે કરવામાં આવ્યો છે. ગઈકાલે કોહલીની ટીમ 97 રને મેચ હારી ગઈ હતી. એટલું જ નહિં કેપ્ટન કોહલી તમામ મોરચે ગઈકાલે નિષ્ફળ ગયો. એટલે કે તેની કેપ્ટનશિપ, બેટિંગ અને બોલિંગની રણનીતિ એકદમ બેકાર રહી હતી. IPLની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, “આ સીઝનમાં કોહલીની ટીમની પ્રથમ ભૂલ હતી. જેથી કોડ ઓફ કન્ડકન્ટ અંતર્ગત મિનિમમ ઓવર રેટની ભૂલને કારણે, વિરાટ કોહલી પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”
