News Continuous Bureau | Mumbai
પુરૂષ કે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ખેલાડીએ તેની કેપ્ટનશીપમાં ICCના 5 મોટા ખિતાબ જીત્યા હોય. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સુકાની મેગ લેનિંગ માટે ગત એક અઠવાડિયું સપનું રહ્યું છે. લેનિંગ એ જ કેપ્ટન છે જેણે ગત વર્ષે ઓગસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો હતો. લગભગ 5 મહિના પછી પરત ફરેલી લેનિંગે ટીમને રેકોર્ડ છઠ્ઠી વખત T20 વર્લ્ડ કપ અપાવીને ઈતિહાસ રચી દીધો છે. એટલું જ નહીં, તેણે કેપ્ટનશિપમાં અનુભવી મહેન્દ્ર સિંહ ધોની અને રિકી પોન્ટિંગને પણ પાછળ છોડી દીધા છે.
ન્યૂલેન્ડ્સ, કેપટાઉન ખાતે રમાયેલી મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન દક્ષિણ આફ્રિકાને 19 રનથી હરાવીને છઠ્ઠી વખત T20 વર્લ્ડ ટ્રોફી પર કબજો કર્યો હતો. મેગ લેનિંગ સૌથી વધુ ICC ટ્રોફી જીતનારી કેપ્ટન બની ગઈ છે. એટલું જ નહીં છેલ્લા 5 વર્ષમાં કાંગારુ ટીમનું આ ચોથું વર્લ્ડ કપ ટાઇટલ છે. લેનિંગે કેપ્ટન તરીકે પાંચમી વખત વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી છે. આ દરમિયાન તેણે દેશબંધુ રિકી પોન્ટિંગને પણ પાછળ છોડી દીધો, જેણે તેની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાને 4 ICC ટ્રોફી જીતી હતી. ફાઈનલ પહેલા લેનિંગ અને પોન્ટિંગ 4-4 ટાઈટલની બરાબરી પર હતા પરંતુ આ જીત બાદ લેનિંગે પોન્ટિંગને પાછળ છોડી દીધા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના નેતૃત્વમાં ભારતને 3 ICC ટ્રોફી અપાવી હતી.
આ સમાચાર પણ વાંચો : આજનો ઇતિહાસ 27 ફેબ્રુઆરી, દેશભક્ત ચંદ્રશેખર આઝાદનો શહીદદિન… માતૃભૂમિ માટે આપ્યુ હતુ બલિદાન..
મેગ લેનિંગને 2014માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી
મેગ લેનિંગ વર્લ્ડ કપ ટાઈટલની હેટ્રિક ફટકારનારી પ્રથમ કેપ્ટન પણ બની ગઈ છે. લેનિંગને વર્ષ 2014માં ટીમની કમાન સોંપવામાં આવી હતી. તે જ વર્ષે તેણે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. ત્યારબાદ 2018માં ટીમે બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો દરજ્જો હાંસલ કર્યો હતો. આ પછી લેનિંગે સતત ત્રણ વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ મેગ લેનિંગના નેતૃત્વમાં ચોથી વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. તેણે 2014, 2018, 2020, 2023માં ટીમને ટાઈટલ અપાવ્યા. ઓસ્ટ્રેલિયા 2022માં લેનિંગની કેપ્ટનશીપ હેઠળ ODI વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. રિકી પોન્ટિંગ 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયાને ODI વર્લ્ડ કપમાં લઈ ગયા હતા. આ સિવાય તેણે 2006 અને 2009માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.ધોનીએ 2007માં T20 વર્લ્ડ કપ જ્યારે 2011માં ODI ટ્રોફી જીતી હતી. માહીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.