ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
ભારતની મહિલા હોકી ટીમે જોર્ડ મેરિજનેના નેતૃત્વમાં ટોક્યો ઓલિમ્પિકમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. બાદમાં મેરિજને નેધરલેન્ડની ક્લબ ટિલબર્ગનો કોચ બન્યો. મંગળવારે કોઈપણ અધિકારી અથવા સંસ્થાને દોષ આપ્યા વિના મેરિજને એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે તેને હજુ સુધી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(SAI) તરફથી અંતિમ પગાર અને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી 25 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું નથી.
અહેવાલના જવાબમાં, હોકી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે મેરિજનેની તેના બાકી પગાર પરની ટિપ્પણીએ ભારતીય રમત પ્રશાસનનું કાળું ચિત્ર દોરવાનો પ્રયાસ કર્યો છે. હોકી ઇન્ડિયાએ દાવો કર્યો હતો કે કોચને માત્ર USD 1,800 જેટલી રકમ આપવાની બાકી છે અને મેરીજનેએ લેપટોપ પાછું ન આપવાને કારણે હોકી ઈન્ડિયા એનઓસી જારી કરવામાં અસમર્થ છે એટલે તેનો પગાર અટકાવ્યો છે.
બુધવારે હોકી ઈન્ડિયાના સેક્રેટરી જનરલ રાજીન્દર સિંહે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે અમે કહી શકીએ છીએ કે મેરિજનેને આપવામાં આવેલું લેપટોપ તેણે પરત ન કરવું એ ડેટાની ચોરી કરવા સમાન છે. કારણકે તેમાં ભારતીય ખેલાડીઓના મહત્વપૂર્ણ ડેટા છે. લેપટોપ પાછું નહિ મળે તો મેરિજને સામે જરૂરી દંડાત્મક પગલાં લેવાની ભલામણ કરીએ છીએ.
SAI સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ 31મી જુલાઈ 2021 સુધી મેરિજેનના તમામ પગાર ક્લિયર કરયો હતો અને 1થી 6 ઓગસ્ટ સુધીના તેના કામકાજના દિવસોની માત્ર $1800ની રકમ ચૂકવવાની બાકી છે. જે અમે કરાર મુજબ સત્તાવાર લેપટોપ પ્રાપ્ત કર્યા પછી આપીશું. જોકે મેરિજનેએ કારણ આપ્યું હતું કે લેપટોપ ક્રેશ થયું હતું. તેને રીપેર કરવા મોકલ્યું હતું.