ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
આઇપીએલની 13મી સીઝનમાં દિલ્હી કેપિટલ માટે 29 સપ્ટેમ્બરની તારીખ સારી નહોતી રહી. ટીમને પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ ધીમા ઓવર રેટ માટે કેપ્ટન શ્રેયસ અય્યરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિઝનમાં, અય્યર બીજો કેપ્ટન છે, જેને ધીમી ઓવર રેટ દંડ ચૂકવવો પડશે. બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. બોર્ડના નિવેદન અનુસાર આઈપીએલની આચારસંહિતા હેઠળ આ તેમનો પ્રથમ સ્લો ઓવર-રેટ કેસ છે, ત્યારબાદ અય્યરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.’
અય્યરે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ ટીમએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 164 રન બનાવ્યા હતા. જોની બેયરેસ્ટોએ 53, ડેવિડ વોર્નરે 45 અને કેન વિલિયમ્સને 41 રન બનાવ્યા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 147 રન જ બનાવી શકી હતી. અય્યર આ મેચમાં 21 બોલમાં 17 રન બનાવી શક્યો હતો. દિલ્હી કેપિટલ્સએ 20 ઓવરનો પોતાનો લક્ષ્ય પૂર્ણ કરવા નિર્ધારિત સમય કરતા 23 મિનિટ વધુ સમય લીધો હતો. દિલ્હી કેપિટલ્સની આગામી મેચ 3 ઓક્ટોબરે શારજાહમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સામે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં દંડ ભરવો પડ્યો હતો.
