ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ બહુ જ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઑલિમ્પિક્સમાં બનેલી એક ઘટના વિશે જણાવવામાં આવ્યું છે. આ ઘટના વાંચીને લોકો કહી રહ્યા છે કે ખેલાડી હોય તો આવો! આને કહેવાય સ્પૉર્ટ્સમૅન સ્પિરિટ. વાત એમ છે કે એકવાર કેનિયાઑલિમ્પિક દોડવીર એબેલ કિપ્રોપ મુતઈ દોડમાં એટલી ઝડપથી દોડ્યો હતો કે તે બાકીના દોડવીરો કરતાં ઘણો આગળ નીકળી ગયો હતો, પરંતુ તે ફિનિશ લાઇનથી એક મીટર પાછળ અટકી ગયો હતો. એબેલને ખબર નહોતી કે તેણે રેસ પૂરી કરી નથી.
જોકેપાછળથી આવતા સ્પેનિશ દોડવીર ઇવાન ફર્નાન્ડીઝે તેને આમ ઊભેલો જોઈને ચીસો પાડવાનું શરૂ કર્યું, પરંતુ એવું બન્યું કે કેનિયાનો દોડવીર સ્પેનિશ સમજી શક્યો ન હતો. એથી ત્યાં જ ઊભો રહ્યો, આખરે આ સ્પેનિશ દોડવીરે તેને ધક્કો મારી ફિનિશિંગ લાઇન પાર કરાવી હતી અને એબેલ જીતી ગયો હતો. પત્રકારોએ ઇવાન ફર્નાન્ડીઝને પૂછ્યું કે તેં આવું કેમ કર્યું?ત્યારે ફર્નાન્ડીઝે જવાબ આપ્યો, "મારું સ્વપ્ન છે કે એક દિવસ આપણો સમાજ દરેકને અને પોતાને આગળ લઈને જીતશે."
આ ઑલિમ્પિક્સ વિજેતા ખેલાડી પાસેથી મળ્યું ૧૦ અબજ રૂપિયાનું ડ્રગ્સ; ૨૫ વર્ષની સજા થઈ, જાણો વિગત
પત્રકારે આગ્રહ કરીને ફરી પૂછ્યું હતું કે "પણ તમે જીતી શક્યા હોત!" ઇવાને તેની સામે જોયું અને જવાબ આપ્યો કે “પરંતુ શું એ જીત યોગ્ય ગણાત? આ વિશે મારી માતા શું વિચારશે? આપણાં મૂલ્યો પેઢી દરપેઢી પસાર થાય છે. આપણે આપણાં બાળકોને કયાં મૂલ્યો શીખવીશું?”
ઉલ્લેખનીય છે કે આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો આ ખેલાડીની ખૂબ જ સરાહના કરી રહ્યા છે.