ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
ભારતીય ખેલાડીઓ ટૉક્યો ઑલિમ્પિકમાં ઇતિહાસ રચીને સ્વદેશ પાછા ફર્યા છે. ઢોલનગારાં સાથે ટૉક્યોના હીરોઝનું શાનદાર સ્વાગત થયું. તેમના સ્વદેશ પાછા ફરતાં પહેલાં દિલ્હી પોલીસે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની સુરક્ષા વધારી દીધી હતી. ગોલ્ડન બૉય નીરજ ચોપડાનું દિલ્હી ઍરપૉર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમની સાથે સેલ્ફી લેવા માટે ભીડ ઊમટી પડી હતી.
દરેક ખેલાડીઓને ખેલ મંત્રાલય તરફથી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવશે. મંત્રાલય તરફથી અશોકા હૉટેલમાં સાંજે છ વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. પહેલાં આ કાર્યક્રમ મેજર ધ્યાનચંદ્ર સ્ટૅડિયમમાં થવાનો હતો, પરંતુ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે કાર્યક્રમનું સ્થાન બદલવામાં આવ્યું.
અત્રે જણાવવાનું કે ભારતે ટૉક્યો ઑલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા છે, જે કોઈ પણ ઑલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલાં ભારતે 2012ની લંડન ઑલિમ્પિકમાં છ મેડલ જીત્યા હતા. આ વખતે ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ પણ આવ્યો છે, જે જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ અપાવ્યો છે. નીરજ અગાઉ 2008માં અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.