ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
૫૩ વર્ષના ઇતિહાસમાં ભારતે પેરાઑલિમ્પિકમાં કુલ ૩૧ મેડલ જીત્યા છે. એમાંથી ૬૧ ટકા એટલે કે ૧૯ મેડલ આ વર્ષે ટોક્યો ઑલિમ્પિકમાં જીત્યા છે. પેરાઑલિમ્પિક્ના ૯ ખેલમાં દેશના ૫૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. એટલે કે દર ત્રીજા ખેલાડીએ મેડલ જીત્યો છે.
બીજી બાજુ, ઑલિમ્પિક રમતોમાં ૧૨૧ વર્ષમાં પ્રથમ વાર ભારતે રેકૉર્ડ સાત મેડલ જીત્યા છે. આમાં ભારતના ૧૨૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. એટલે કે દર ૧૮મા ખેલાડી પર એક મેડલ પ્રાપ્ત થયો. બંને ટીમોની ટોક્યો રમતોની ઓવરઑલ રૅન્કિંગ પર નજર નાખીએ તો પેરાઑલિમ્પિક વધુ સફળ રહ્યું. ટોક્યો ઑલિમ્પિક્માં ભારત ૪૮મા સ્થાને રહ્યું.
જ્યારે પેરાઑલિમ્પિકમાં ૨૪મું સ્થાન મેળવ્યું છે. ખેલ મંત્રાલય અને સ્પૉર્ટસ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા દ્વારા રજૂ કરેલા આંકડા મુજબ પેરાઑલિમ્પિકના ખેલાડીઓની સફળતા એટલા માટે મોટી છે, કારણ કે તેમની ટ્રેનિંગ પર ગત પાંચ વર્ષમાં ઑલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓની સરખામણીમાં ૪૦ ગણો ઓછો ખર્ચ થયો છે.
ઑલિમ્પિકની તૈયારીઓમાં અલગ-અલગ સ્કીમ હેઠળ ખેલાડીઓ ઉપર ૧,0૬૫ કરોડ રૂપિયા ખર્ચ કરાયા. જ્યારે કે પેરાઑલિમ્પિકની તૈયારીઓમાં કુલ ૨૬ કરોડ રૂપિયા ખર્ચ થયા, પરંતુ પેરાઑલિમ્પિકમાં ઑલિમ્પિક કરતાં ત્રણ ગણા વધુ મેડલ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે પેરાઑલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ પર ૨૬ કરોડ ખર્ચ્યા અને તેઓ ૧૯ મેડલ જીતવામાં સફળ રહ્યા. એટલે કે એક મેડલ ૧.૩૬ કરોડ રૂપિયામાં પડ્યો. જ્યારે ઑલિમ્પિકની તૈયારીમાં ૧,0૬૫ કરોડ ખર્ચ થયો છે અને સાત મેડલ આવ્યા. એટલે કે એક ઑલિમ્પિક મેડલ જીતવામાં ૧૫૨ કરોડ રૂપિયા ખર્ચાયા, જે પેરાઑલિમ્પિકની સરખામણીમાં અધિક છે.
IND vs ENG : ઓવલ ખાતે ભારતની ઐતિહાસિક જીત, ઇંગ્લેન્ડને આટલા રનથી હરાવી, શ્રેણીમાં 2-1ની લીડ મેળવી
 
			         
			         
                                                        