ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઓક્ટોબર, 2021
સોમવાર
હાલમાં IPLનો બીજો તબક્કો સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ IPLમાં કાશ્મીરના ઝડપી બોલર ઉમરાન મલિકે પોતાની ડેબ્યુ મૅચમાં પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેણે રવિવારે આ T 20 લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધની મૅચમાં ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન ઉમરાન મલિકે 150.06 કિમી પ્રતિ કલાકની ઝડપે બૉલ ફેંક્યો, જે આ સિઝનમાં ભારતીય દ્વારા ફેંકવામાં આવેલો સૌથી ઝડપી બૉલ છે.
જોકે દુબઈમાં રમાયેલી આ મૅચમાં ઉમરાનની ટીમ હૈદરાબાદને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 115 રન બનાવી શકી હતી, ત્યાર બાદ કોલકત્તાએ 2 બૉલ બાકી રાખીને 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. આ સાથે કોલકાત્તાની ટીમે પ્લેઓફની રેસમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, જ્યારે હૈદરાબાદ પહેલાંથી જ આ રેસમાંથી બહાર થઈ ગયું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ટી. નટરાજનના કોવિડ-19 પૉઝિટિવ આવવાને લીધે જમ્મુ અને કાશ્મીરના ઝડપી બોલર ઉમરાન મલિકને ટીમમાં ટૂંકા ગાળાના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો છે. ઉમરાન સનરાઇઝર્સ હૈદરાબાદનો નેટ બોલર હતો. ટી. નટરાજન આ જીવલેણ વાયરસમાંથી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ઉમરાન ટીમનો ભાગ રહેશે.
પેંડોરા પેપર્સ શું છે કે જેમાં બહુચર્ચિત વિદેશી નેતાઓનાં નામનો પણ ઉલ્લેખ છે; જાણો વિગતે
21 વર્ષીય ઉમરાનને ભલે કોઈ વિકેટ ન મળી, પણ તેણે 4 ઓવરમાં માત્ર 27 રન આપ્યા. તેણે આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં જમ્મુ અને કાશ્મીર તરફથી T 20 ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. કોલકાત્તા નાઈટ રાઇડર્સ સામેની મૅચમાં ઝડપી બોલર સંદીપ શર્માની જગ્યાએ મલિકને હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે દુબઈમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ઈનિંગ્સની ચોથી ઓવરમાં પોતાની ગતિથી બધાને પ્રભાવિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ મોહમ્મદ સિરાજ આઇપીએલ-2021 માં 146.68 ની ડિલિવરી સાથે છેલ્લો ઝડપી ભારતીય બોલર હતો. મલિકે જમ્મુ-કાશ્મીર માટે એક લિસ્ટ એ અને માત્ર એક ટી 20 મેચ રમી છે અને કુલ 4 વિકેટ લીધી છે.