ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 મે 2021
શનિવાર
ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના બે વર્ષના દીકરા ઇજહાન મિર્ઝાને બ્રિટનના વિઝા મળવામાં અડચણ આવી રહી છે. પોતાના પુત્રને અને તેની સંભાળ રાખનારી કૅરટૅકરને બ્રિટનના વિઝા મળે એ માટે તેણે ભારત સરકાર પાસે મદદ માગી છે. સાનિયા મહિનાભર માટે બ્રિટન જવાની છે. જોકે પોતાના દીકરાને તે ભારત છોડી જવા માગતી નથી. ભારતના ખેલ મંત્રાલયે પણ બ્રિટન સરકારનો સંપર્ક કર્યો છે. બ્રિટિશ હાઈ કમિશને આ બાબત વિચારાધીન હોવાનું જણાવ્યું હતું.
કોરોનાની બીજી લહેરને પગલે બ્રિટન સરકારે ભારતીય પ્રવાસીઓને રેડ લિસ્ટમાં મૂકી દીધા છે. આકરા પ્રતિબંધને પગલે ભારતથી બ્રિટન જનારા તમામ પ્રવાસીઓને ફરજિયાત ક્વોર્ન્ટાઇન અને ટેસ્ટિંગ કરાવવાં પડે છે.
ટૉકિયોમાં યોજાઈ રહેલા ઑલિમ્પિકમાં ભાગ લેવા સાનિયા મિર્ઝા જવાની છે. એ પહેલાં જૂન મહિનામાં તે ઇંગ્લૅન્ડમાં ગ્રાસ કોર્ટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે. ત્યાર બાદ વિમ્બ્લન્ડન અને બર્મિધમ ઓપન અને ઈસ્ટર્બોન ઓપનમાં પણ તે રમવાની છે.