ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં લેડી સેહવાગ તરીકે જાણીતી હરમનપ્રીત કૌર લાંબા સમયથી ફોર્મમાં નહોતી. જ્યારે કોઈ ખેલાડી ક્રિકેટમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોય છે, ત્યારે તે મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવા માટે તેને શાનદાર ઇનિંગ્સની જરૂર હોય છે. હરમનપ્રીત કૌર તેના બેટ થી રન નહોતા આવી રહ્યા પણ આવી સ્થિતિમાં જ્યારે તેણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્યારે તેના ફોર્મમાં પાછા ફરવામાં વિશ્વાસ કરવો સરળ ન હતો. પરંતુ, હવે સાઉથ આફ્રિકા સામે મહિલા વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં સદી ફટકારીને તેણે કહ્યું છે કે, ન્યૂઝીલેન્ડ સામેની અડધી સદી પણ આશ્ચર્યજનક ન હતી. તેનું ફોર્મ ખરેખર પાછું મળ્યું છે. ભારતીય ટીમ માટે સારું છે કે હરમનપ્રીતે વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ તે શાનદાર ઇનિંગ્સની સ્ક્રિપ્ટ લખીને ફોર્મ હાંસલ કર્યું છે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 244 રન બનાવ્યા હતા. જેમાં હરમનપ્રીત કૌરના બેટમાંથી 103 રન આવ્યા હતા. તેણે ચોથા નંબર પર બેટિંગ કરતા આ રન બનાવ્યા હતા. આ માટે તેણે 114 બોલનો સામનો કર્યો, જેમાં તેણે 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સદી બાદ હરમનપ્રીતનો આત્મવિશ્વાસ વધ્યો હશે, જે તેના અને સમગ્ર ટીમ માટે સારો સંકેત છે.
હરમનપ્રીતની ચોથા નંબર પર રમાયેલી આ પહેલી સદીની ઇનિંગ નથી. ખાસ કરીને જ્યારે વાત વર્લ્ડ કપની હોય. આ પોઝિશન પર ODIમાં તેના આંકડા જુઓ. તેણીએ છેલ્લી 48 ઇનિંગ્સમાં 40.45ની એવરેજથી 1618 રન બનાવ્યા છે, જેમાં 8 અર્ધસદી અને 3 સદી સામેલ છે. આ 3માંથી તેણે વર્લ્ડ કપમાં 2 સદી ફટકારી છે. તે મહિલા ક્રિકેટમાં નંબર 4 પર રમતી વખતે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.
હરમનના આ આંકડા પરથી લાગે છે કે તેને આખા વર્લ્ડ કપમાં ચોથા નંબર પર રમવું જોઈએ, જેથી ટીમ ઈન્ડિયાને તેનો ફાયદો મળતો રહે. કોઈપણ રીતે, ભારતને ટાઈટલ જીતવા માટે હરમનનું બેટ બોલવું જરૂરી બની જાય છે. વોર્મ-અપ મેચમાં હરમન ઉપરાંત યાશિકા ભાટિયાના 58 રનની મદદથી ભારતને 244 રન સુધી પહોંચાડવામાં મદદ મળી હતી.