ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મહારાષ્ટ્રના મેલઘાટ વિસ્તારમાં 15 દિવસમાં 14 બાળકો અને એક ગર્ભવતી મહિલાનું કુપોષણને કારણે મૃત્યુ થયું હોવાનું આઘાતજનક બાબત પ્રકાશમાં આવી છે. જોકે રાજ્ય સરકારે આ વાતને ફગાવી દીધી છે.
બૉમ્બે હાઈ કોર્ટમાં કુપોષણને લઈને એક જનહિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. એમાં અરજદારે 15 દિવસમાં 15 બાળકોનાં મોત થયાં હોવાનો દાવો કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કુપોષણથી બાળકોનાં થનારાં મૃત્યુને લઈને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં કુપોષણથી કોઈનું પણ મોત થાય છે તો એ માટે રાજ્યના આરોગ્ય ખાતાના સચિવને જવાબદાર ગણવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે કુપોષણને લઈ જનહિતની અરજી પર છેલ્લા ત્રણ દાયકાથી સુનાવણી ચાલી રહી છે. અરજી પણ અત્યાર સુધી સેંકડો આદેશો બહાર પડી ચૂક્યા છે, ત્યારે હાઈ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ કહ્યું હતું કે આટલા આદેશ બહાર પડ્યા બાદ પણ રાજ્યના મેલઘાટ અને અન્ય આદિવાસી વિસ્તારમાં કુપોષણની સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ગઈ સુનાવણી દરમિયાન કોર્ટે કુપોષણથી કોઈ પણ મૃત્યુ થયું તો એ માટે રાજ્યના આરોગ્ય સચિવ જવાબદાર રહેશે અને તેમની સામે આકરાં પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.