ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
14 મે 2020
મધ્યપ્રદેશથી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. બુધવારની મોડી રાત્રે 60 થી વધુ પ્રવાસી મજૂરો લઈ જતી બસ નો અકસ્માત થતાં 8 મજૂરોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે.
બીજી બાજુ ઉત્તરપ્રદેશથી મુજ્જફરનગરની રોડવેઝ બસે પગપાળા જતા મજૂરોને બસ નીચે કચડી કાઢ્યા છે. આમાં 6 લોકોના મોત નિપજ્યા છે.
આ સાથે જ બિહારથી પણ રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે પ્રવાસી મજૂરોનું અવસાન થયું છે. આમ એક જ રાતમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં વિવિધ રોડ અકસ્માતમાં 16 જેટલા મજુરો મોતને ભેટયા છે. પોલીસ ની માહિતી મુજબ કોરોના લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. આ લોકો રોડની કિનારી કિનારે ચાલીને જતા હોય છે ત્યારે મોટાભાગના હાઈવે હાલ ખુલ્લા હોવાથી ઓવર સ્પીડીંગને કારણે આ અકસ્માત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જે તે રાજ્યની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ મજૂરોમાં કોઈ મહારાષ્ટ્રથી તો કોઈ પંજાબથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા..