ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 માર્ચ 2021
ચૂંટણી આવતાંની સાથે જ અનેક નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે. આ નેતાઓને પક્ષ સાથે કોઈ જ લેવાદેવા નથી તેઓ તો માત્ર પોતાનું હિત સાધતા હોય છે. આવા હિત સાધુ નેતાઓએ હવે ભારતીય જનતા પાર્ટીને પોતાની પહેલી પસંદ બનાવી છે.
દિલ્હીથી જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર વર્ષ 2016 થી 2021 ની વચ્ચે કોંગ્રેસ પાર્ટી માંથી સૌથી વધુ ધારાસભ્યોએ પક્ષ છોડ્યો. કોંગ્રેસના 170 ધારા સભ્યો ભાજપમાં જોડાયા. જ્યારે કે 25 ધારાસભ્યો તેલંગાણા રાષ્ટ્ર સમિતિ માં જોડાયા. એવું નથી કે કોંગ્રેસ પાર્ટીમાં પણ ધારાસભ્યો નથી આવ્યા પરંતુ પુરા દેશમાંથી કુલ ૩૮ ધારાસભ્યો અલગ-અલગ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા.
વર્ષ 2016 થી વર્ષ 2020 ની વચ્ચે કુલ ચૂંટણી થઈ, તેમાં 405 ધારાસભ્યોનું નસીબ જનતાના હાથમાં હતું અને આમાંથી અડધોઅડધ નેતાઓએ પક્ષ પલટો કર્યો. ધારાસભ્યોના પક્ષ પલટાને કારણે ગોવા, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મણિપુર સરકાર કોંગ્રેસના હાથમાંથી જતી રહી.
આ ઉપરાંત ગત ચાર વર્ષોમાં રાજ્ય સભાના 10 સાંસદોએ ભાજપમાં પ્રવેશ કર્યો.
આમ પક્ષપલટુઓની જયજયકાર રહી. તેઓએ કોંગ્રેસમાં પણ પોતાનું હિત સાધ્યું અને અત્યારે ભાજપ માં પોતાનું હિત સાધી રહ્યા છે.