News Continuous Bureau | Mumbai
Livestock Census: દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન વ્યવસાય ( Animal husbandry business ) અને વિવિધ સંવર્ગના પશુધન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતના અનેક ખેડૂતો આજે પશુપાલન વ્યવસાય થકી સમૃદ્ધ બન્યા છે. પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ, કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્ત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી છે. આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન સમગ્ર દેશમાં “૨૧મી પશુધન વસ્તી ગણતરી” હાથ ધરવામાં આવશે.
૨૧મી પશુધન વસ્તી ગણતરીના અદ્યતન અને સચોટ ડેટાના આધારે આગામી પાંચ વર્ષ દરમિયાન ભારત સરકાર ( Central Government ) અને રાજ્ય સરકાર ( Gujarat government ) પશુપાલન ક્ષેત્રનો વિકાસ સુનિશ્ચિત કરશે. પશુધનની સંખ્યા અને વિવિધ જાતોના આધારે નવી યોજના બનાવવામાં, જૂની યોજનામાં સુધારા કરવામાં, પશુ આરોગ્ય સેવાઓનો વધારો કરવામાં, આપત્તિના સમયે પશુ ચારાની આવશ્યકતા તેમજ પશુ રસીકરણ જેવી અનેક બાબતોમાં આ ડેટા આધારસ્તંભ બનશે.
-
Livestock Census: વિચરતા પશુઓનો પ્રથમવાર વસ્તી ગણતરીમાં સમાવેશ
પશુધન વસ્તી ગણતરી દેશમાં પશુઓની ( Animals ) વિવિધ જાતોના સચોટ ડેટાનો મુખ્ય સ્ત્રોત છે. ભારતમાં વર્ષ ૧૯૧૯થી દર પાંચ વર્ષે પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં ગત ૧૦૦ વર્ષથી સતત પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીમાં સામાન્ય રીતે તમામ પાળેલા પ્રાણીઓને આવરી લેવામાં આવે છે, પરંતુ ૨૧મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ, રખડતા પશુઓ, શ્વાન તથા પાંજરાપોળ, ગૌશાળા, સરકારી ફાર્મ અને ડેરી ફાર્મના પશુઓને પણ આવરી લેવામાં આવશે. જેમાં દેશભરની આશરે ૨૧૯ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. દેશના આશરે એક લાખથી વધુ અધિકારી-કર્મચારીઓ આ વસ્તી ગણતરીમાં ડેટા એકત્ર કરવાના કામમાં જોડાશે.
-
Livestock Census: ગુજરાતની ૨૮ જેટલી પશુ જાતોની થશે ગણતરી
ગુજરાત ( Gujarat Livestock Census ) રાજ્યમાં ૨૮ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે, જે પૈકી ગાય સંવર્ગમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ઓલાદ, ભેંસ સંવર્ગમાં મહેસાણી, જાફરાબાદી, બન્ની અને સુરતી ઓલાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પશુધનના ડેટા એકત્રિત કરવાની કામગીરીમાં ગ્રામ્ય કક્ષાએ ૨,૭૦૦થી વધુ અને શહેરી કક્ષાએ ૧,૦૦૦થી વધુ ગણતરીદારો ઉપરાંત ૬૭૦ જેટલા સુપરવાઇઝર જોડાશે. વસ્તી ગણતરીના ડેટાને અધિકૃત કરવા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Kedarnath landslide : કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ થયું
-
Livestock Census: વસ્તી ગણતરી માટે પ્રથમવાર મોબાઈલ એપનો ઉપયોગ
૨૧મી પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લીકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે. આ એપ્લીકેશનના પરિક્ષણ માટે ભારત સરકારે ગુજરાત સહિત અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, ઓડીશા અને ઉત્તર પ્રદેશમાં પાઈલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા અને કાલાવડ તાલુકામાં મોબાઈલ એપ અને સોફ્ટવેરનું પરીક્ષણ હાલ પ્રગતિ હેઠળ છે. અગાઉ ૨૦મી પશુધન વસ્તી ગણતરી દરમિયાન પ્રથમવાર ટેબ્લેટના માધ્યમથી પશુધનનો ડેટા ઓનલાઈન એકત્રિત કરવામાં આવ્યો હતો.
-
Livestock Census: કેવી રીતે થશે પશુધન વસ્તી ગણતરી?
પશુધન વસ્તી ગણતરી માટે ગણતરીદારો ઘરે-ઘરે જઈને મોબાઇલથી ગામ, ઘર, પશુ અને તેના માલિકની વિગતો ઉપરાંત માલિક પાસે ઉપલબ્ધ જમીન, સાધનોની વિગતો ભરશે. આ ઉપરાંત ગણતરીદાર દ્વારા ગામ-શહેરના ગાય, કુતરા સહિતના રખડતા પશુઓની પણ માહિતી મોબાઈલના માધ્યમથી એકત્ર કરવામાં આવશે. ગણતરીદાર એકત્ર કરેલી માહિતી તેના સુપરવાઇઝરને મોકલશે. સુપરવાઇઝર (પશુ ચિકિત્સા અધિકારી) એકત્ર કરેલી માહિતીને અધિકૃત કર્યા બાદ મોબાઈલ એપના માધ્યમથી જિલ્લા નોડલ અધિકારીને મોકલી આપશે.
ભારત સરકાર દ્વારા જિલ્લા નોડલ અધિકારી અને રાજ્ય નોડલ અધિકારીને વેબ એપ્લીકેશન અને ડેશબોર્ડની સુવિધા આપવામાં આવશે, જેના માધ્યમથી નોડલ અધિકારી તમામ ગણતરીદાર દ્વારા કરાયેલી ગણતરી અને સુપરવાઇઝર દ્વારા કરાયેલી ખરાઇનું નિરીક્ષણ કરી શકશે. એકત્રિત કરેલો ડેટા આ વેબ એપ્લીકેશનના માધ્યમથી જ ભારત સરકારને મોકલી શકાશે. આ ઉપરાંત ડેશબોર્ડના માધ્યમથી તમામ જિલ્લા નોડલ અધિકારીનું નિરીક્ષણ રાજ્ય નોડલ અધિકારી કરી શકશે. દરેક રાજ્યમાંથી એકત્ર કરાયેલા ડેટાની ખરાઈ કર્યા બાદ ભારત સરકાર પશુધન વસતી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવશે.
તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ગુજરાત અને રાજસ્થાનના જિલ્લા અને રાજ્ય નોડલ અધિકારીઓ માટે એક દિવસીય પ્રાદેશિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ એક દિવસીય તાલીમ દરમિયાન નોડલ અધિકારીઓને વસ્તી ગણતરી માટેની મોબાઈલ એપ, વેબ એપ અને ડેશબોર્ડની તાલીમ આપવામાં આવી હતી.
-
Livestock Census: વર્ષ ૨૦૧૯ની ગણતરીમાં ગુજરાતમાં નોંધાયું ૨૬૮ લાખ પશુધન
૨૦મી પશુધન વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૯માં હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાં કુલ ૨૬૮ લાખથી વધુ પશુધન નોંધાયું હતું. વર્ષ ૨૦૧૯ની વસ્તી ગણતરીમાં કુલ ૯૬ લાખથી વધુ ગાય નોંધાઈ હતી, જેમાં ૧૭.૫૦ લાખથી વધુ ગીર ગાય, ૧૭.૭૦ લાખથી વધુ કાંકરેજ ગાય, ૬૩ હજાર ડાંગી ગાય, ૩૩.૮૦ લાખ ક્રોસ બ્રીડ ગાય અને ૨૬.૫૦ લાખ ગાય નોંધાઈ હતી. આ વસ્તી ગણતરીમાં રાજ્યમાં કુલ ૧૦૫ લાખથી વધુ ભેંસ નોંધાઈ હતી, જેમાં ૩૯.૫૦ લાખથી વધુ મહેસાણી ભેંસ, ૧૪.૭૦ લાખથી વધુ જાફરાબાદી ભેંસ, ૧૧.૪૦ લાખથી વધુ સુરતી ભેંસ, ૭.૭૦ લાખથી વધુ બન્ની ભેંસ અને ૩૧.૮૦ લાખથી વધુ અન્ય ભેંસ નોંધાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૭.૮૦ લાખથી વધુ ઘેટાં અને ૪૮.૬૦ લાખથી વધુ બકરા નોંધાયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Gujarat Kharif Crops: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
