ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જુલાઈ, 2021
મંગળવાર
કોકણમાં 21 અને 22 જુલાઈના થયેલી અતિવૃષ્ટિમાં ખેડ, મહાડ, ચિપળૂણ વિસ્તારમાં વિનાશકારી પૂર આવ્યાં હતાં. જાનમાલનું મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. હજારો લોકો પૂરમાં બેઘર થઈ ગયા છે. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારના સામાન્ય નાગરિક, વેપારી વર્ગથી લઈને અનેક નેતાઓ પણ ત્યાં મદદે પહોંચી ગયા હતા. પરંતુ મૂળ કોકણના જ સ્થાયી ત્રણ મહારથી નેતાઓનાં દર્શન હજી સુધી કોકણવાસીઓને થયાં નથી. એની સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાગ્યો છે.
કોકણ પર આવેલી આફત બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત અનેક નેતાઓ કોકણ જઈ આવ્યા છે, જેમાં કૉન્ગ્રેસથી ભાજપમાં ગયેલા અને કેન્દ્રીય પ્રધાનપદ મેળવનારા મૂળ કોકણના નેતા નારાયણ રાણેનો પણ સમાવેશ થાય છે, પરંતુ મૂળ કોકણના અને વર્ષો સુધી ખાસ્સા ઍક્ટિવ રહેલા અમુક નેતાઓ ગાયબ થઈ ગયા છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવેપ્રધાન સુરેશ પ્રભુનું કોકણમાં સારું એવું નામ છે. રત્નાગિરિ-સિંધુદુર્ગ જિલ્લાનું તેઓ પ્રતિનિધત્વ કરતા હતા, પણ હાલ તેઓ આ વિસ્તારમાં બહુ સક્રિય નથી. કોકણમાં પૂર આવ્યા બાદ પણ સુરેશ પ્રભુ કોકણમાં દેખાયા નથી.
શિવસેનાના અત્યંત સિનિયર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંત ગીતે પણ કોકણમાં આવેલી આફત દરમિયાન દેખાયા નથી. લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સુનીલ તટકરે સામે હારી ગયા બાદ અનંત ગીતે રાજકારણમાં બહુ સક્રિય રહ્યા નથી. હાર બાદ તેઓ હજી પણ આઘાતમાં જ લાગે છે, તેથી કોકણમાં જવાની તેમણે તસ્દી લીધી ન હોવાની ફરિયાદ કોકણવાસીઓ કરી રહ્યા છે.
જોગેશ્વરીના વિધાનસભ્ય અને શિવસેનાના અગ્રણી નેતા રવીન્દ્ર વાયકર પોતાના વિસ્તારમાં બહુ ઍક્ટિવ હોય છે, પણ તેઓ કોકણમાં હજી સુધી મદદ માટે દેખાયા નથી. તેઓ દેવેન્દ્ર ફડણવીસની સરકાર દરમિયાન રત્નાગિરિના પાલકપ્રધાન રહી ચૂક્યા છે.