ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
કોરોના રોગચાળા દરમિયાન દર્દીઓના પરિવારોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
દરમિયાન મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારા કોવિડગ્રસ્તોમાંના લગભગ 75 ટકા દર્દીઓ પાસેથી વધુ પડતો ચાર્જ લેવાયો છે.
સર્વેક્ષણમાં રાજ્યના 34 જિલ્લાના 2579 દર્દીઓ તથા તેમના પરિવારોને આવરી લેવાયા હતા. આ દર્દીઓ પૈકી 95.4 ટકાએ ખાનગી હોસ્પિટલો જ્યારે 4.6 ટકાએ સાર્વજનિક હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.
હેલ્થ એક્ટિવિસ્ટોએ કહ્યું કે સર્વેક્ષણમાં જાણવા મળેલી માહિતી આઘાતજનક છે. રાજ્યના સત્તાવાળાઓ ઓવર ચાર્જિંગનાં બિલોનું વિગતે ઓડિટ કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
જન આરોગ્ય અભિયાન તથા મહારાષ્ટ્ર કોરોના એકલ મહિલા પુનર્વસન સમિતિએ સાથે મળીને આ સર્વેક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ખાનગી હોસ્પિટલોના કોવિડ સારવાર શુલ્ક પર પાંચ કાયદા હેઠળ નિયંત્રણો મૂક્યા હતા. તેણે બીજી લહેર વખતે પણ આ નિયંત્રણોની મુદત લંબાવી હતી.