ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ દ્વારા પવાર પરિવારનાં ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ અત્યાર સુધીની સૌથી લાંબી છાપામારી હશે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પાસે બેનામી સંપત્તિ છે. સોમૈયાએ પ્રેસ-કૉન્ફરન્સમાં એના પ્રમાણપત્રો આપ્યાં હોવાથી પવારની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. સોમૈયાએ માગણી કરી છે કે અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે.
હવે શરદ પવારે NCB અને કેન્દ્રીય તપાસ પર નિશાન તાક્યું; ભાજપ કેન્દ્રીય તપાસ પ્રણાલીનો ગેરઉપયોગ કરે છે
શરદ પવાર, રોહિત પવાર, અજિત પવાર, પાર્થ પવાર અને સુપ્રિયા સુલેને અમારો સીધો પ્રશ્ન એ છે કે જરંડેશ્વર સુગર ફૅક્ટરીના માલિકો જે મુખ્ય શૅરહોલ્ડરો છે તે પૈકી એક નામ મોહન પાટીલનું છે. જે વિજયા પાટીલના પતિ છે. બીજી નીતા પાટીલ છે. આ લોકો કોણ છે? અજિત પવારનો તેમની સાથે શું સંબંધ છે? સોમૈયાએ એમ પણ કહ્યું કે પવારે આનો ખુલાસો કરવો જોઈએ.
જરંડેશ્વર સુગર ફૅક્ટરી ખરીદવામાં આવી ત્યારે અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન, નાણાપ્રધાન હતા. બૅન્કમાં રાજ્ય સરકારના રૂપિયા છે. રાજ્ય સરકારનાં નાણાં નાણાપ્રધાનની મંજૂરી બાદ વાપરી શકાય છે. અજિત પવારે પોતે ફૅક્ટરી વેચી, એની હરાજી કરી અને એને પોતાની કંપની માટે ખરીદી. તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું. જરંડેશ્વર સુગર ફૅક્ટરી પર બેનામી રીતે કબજો લીધો છે. હવે તેઓ હોદ્દા પર રહી શકે નહીં, અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે એવી માગણી સોમૈયાએ કરી છે.