ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈ મહાનગરપાલિકા સહિત મહારાષ્ટ્રની અનેક પાલિકાઓની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ઓબીસી અનામતના પ્રકરણનો નિકાલ આવે નહીં ત્યાં સુધી પાલિકાઓની ચૂંટણી મોકૂફ રહે તેવી શક્યતા જણાય છે. તેને કારણે મુંબઈની સાથે, થાણે, નવી મુંબઈ, પુણે, નાગપુર, નાસિક, પિંપરી ચિંચવડ, સોલાપુર સહિત 10 મહાનગરપાલિકાઓમાં પ્રશાસકોની નિમણૂક કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્યનું ચૂંટણી પંચ ટૂંક સમયમાં આ અંગે સરકારને સૂચના આપશે એવું સત્તાવાર સૂત્રોનું કહેવું છે.
ઓબીસીની અનામત પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. આથી સરકાર આગામી નગરપાલિકાની ચૂંટણીઓ ઓબીસી અનામત વિના યોજાય નહીં તે માટેના પ્રયાસો કરી રહી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાય છે. શહેરી વિકાસ વિભાગના સૂત્રોના કહેવા મુજબ કોઈપણ મહાનગરપાલિકા ના પદાધિકારીઓને કોઈ એક્સટેન્શન આપવામાં આવશે નહીં. કોઈપણ સંજોગોમાં, જ્યાં સુધી ઓબીસી અનામતનો અમલ ન થાય ત્યાં સુધી સરકાર નગરપાલિકાની ચૂંટણીઓ ન થાય તે માટે પ્રયાસ કરી રહી છે.
ઓબીસીને લગતા આ કેસની આગામી સુનાવણી 8મી ફેબ્રુઆરીએ થવાની છે. તે સમયે, પછાત વર્ગ આયોગના પ્રાથમિક અહેવાલને ટાંકીને સરકાર અંતિમ અહેવાલ સુધી ચૂંટણી સ્થગિત કરવા કોર્ટને વિનંતી કરવાની તૈયારી કરી રહી હોવાનું એક મીડિયા હાઉસના અહેવાલમાં જણાવાયું છે.
ગયા વર્ષે રાજ્ય સરકારે મુંબઈ અને મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં સુધારો કર્યો હતો. જે મુજબ મુદત પૂરી થઈ ગયેલી મહાનગરપાલિકા પર માત્ર વહીવટદારની નિમણુંક કરવામાં આવશે. કોર્પોરેશનના કોર્પોરેટરોને પાંચ વર્ષથી વધુ સમય માટે એક્સટેન્શન આપવામાં આવશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે.