ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
કોરોનાના ત્રીજા લહેરમાં મહારાષ્ટ્રના અનેક નેતાઓ અને પ્રધાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. ગયા મહિને રાજ્યમાં 20 મંત્રીઓ અને 40 થી વધુ ધારાસભ્યો કોરોનાથી પ્રભાવિત થયા હતા. હવે કોંગ્રેસના નેતા અને પ્રધાન અશોક ચવ્હાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુરુવારે અશોક ચવ્હાણ કેબિનેટની બેઠકમાં હતા ત્યારે તેમને કોરોનાનો રિપોર્ટ મળતા બેઠક છોડીને તેઓ ઘરે દોડયા હતા. તેઓને બીજી વખત કોરોના થયો છે.
અશોક ચવ્હાણ છેલ્લા ચાર દિવસથી નાંદેડમાં હતા, આ દરમિયાન તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગણતંત્ર દિવસ પર ધ્વજ પણ ફરકાવ્યો હતો, ત્યારબાદ તેઓ બપોરે મુંબઈ જવા રવાના થયા હતા. ગોવા રાજ્યની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તેઓ ગુરુવારે રાત્રે પણજી જવાના હતા. જો કે, તેમને હળવા તાવની ફરિયાદ આવી હતી. તેથી તેમણે કોરોનાનો ટેસ્ટ કર્યો. આ દરમિયાન તેઓએ કેબિનેટની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતાં તેઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. અશોક ચવ્હાણે તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરાવવા અને તેમના આરોગ્યનું ધ્યાન રાખવાની તથા કોરોનાને લગતા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
કંટાળેલા થાણેના વેપારીઓએ આ કારણથી પોલીસ સ્ટેશનમાં કર્યું આંદોલન; જાણો વિગત
અહી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવાર પણ કોરોના સંક્રમિત થયા છે. 24 જાન્યુઆરીએ પવારે પોતે માહિતી આપી હતી કે તેમને કોરોના થયો છે. તેમજ ડોક્ટરની સલાહ મુજબ સારવાર લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં અનેક મંત્રીઓ અને વિવિધ પક્ષોના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી યશોમતી ઠાકુર, શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ, ઉર્જા રાજ્ય મંત્રી પ્રાજક્તા તાનપુરે અને આદિજાતિ વિકાસ મંત્રી કેસી પાડવી કોરોનાથી સંક્રમિત થયા હતા.