ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા પકડાયા તો સીધુ તમારું લાયસન્સ રદ થઈ શકે છે. કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટને લગભગ 26 મહિના બાદ મહારાષ્ટ્રમાં અમલમાં મૂકવામાં આવ્યું છે. એ સાથે જ મહારાષ્ટ્ર રાજયના પરિવહન ખાતાએ હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓ સામે આંખ લાલ કરી છે. તેમ જ લાયસન્સ વગર વાહન ચલાવનારાને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ફટાકરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ વર્ષ બાદ ફરી બીજી વખત ગુનો કરતા પકડાશે તો દરેક ગુના માટે દસ હજાર રૂપિયાનો દંડ વસૂલાશે.
અનેક એક્સિડન્ટમાં ટુ વ્હીલર ચલાવનારો હેલ્મેટ પહેરતો નથી, તેને કારણે એક્સિડન્ટમાં તેમના મોત થતા હોય છે. તેથી સરકારે તેના પર વધારે ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે. હેલ્મેટ નહીં પહેરનારને હવે 500 રૂપિયાના દંડ સાથે જ 3 મહિના માટે લાયસન્સ રદ કરવામાં આવવાનું છે. વગર કારણે હોર્ન વગાડનારાનું પણ ત્રણ મહિના માટે લાયસન્સ રદ કરવામાં આવશે. સીટ બેલ્ટ નહીં પહેરનારાઓને 200 રૂપિયાનો દંડ લાગુ પડશે. આ અગાઉ 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો. ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ પર વાત કરનારા ટુ વ્હીલરને એક હજાર રૂપિયાનો દંડ તો ફોર વ્હીલરવાળાને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
વાહનોના નંબર પ્લેટમાં છેડછાડ કરવામાં આવી હશે. એટલે કે દાદા, મામા જેવા નામ વંચાય એ મુજબ નંબર પ્લેટ બનાવવામાં આવી હશે, તો તેની માટે પણ એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. સ્પીડ લિમિટનો નિયમ ભંગ કર્યો તો ટુ વ્હીલર માટે એક હજાર રૂપિયા અને ટ્રેકટર માટે દોઢ હજાર રૂપિયા તો હળવા વાહનો માટે બે હજાર રૂપિયા એ સિવાય બાકીના વાહનો માટે ચાર હજાર રૂપિયાનો દંડ લાગુ પડશે.