ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્ર સરકારે સુપર માર્કેટમાં વાઈનના વેચાણને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી ટીકા થઈ રહી છે ત્યારે સરકારના મંત્રી તરફથી આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂતોને તેનો ફાયદો થશે એવો સરકારનો દાવો છે. તેની સામે એક ખેડૂતે તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવા માટે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને મંજૂરી માગી છે.
મહારાષ્ટ્રના નાંદેડના એક ખેડૂતે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે. રાજ્યમાં ખેડૂતો પર આર્થિક સંકટ આવી પડયું છે. કોવિડ, કમોસમી વરસાદ અને કડકડતી ઠંડી જેવા વિચિત્ર વાતાવરણને કારણે ખેતરોમાં પાકને મોટા પાયા પર નુકસાન થયું છે.
તેથી ખેડૂતોને ગાંજો ઊગાડવાની મંજૂરી આપવામાં આવે, તેથી તે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે એવો દાવો ખેડૂતે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કર્યો છે.