ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
કેરેલાના કન્નુર એરપોર્ટ પરથી ફરી એક વખત મોટા પ્રમાણમાં સોનાની દાણચોરીનું પ્રકરણ સામે આવ્યું છે. કન્નુર એઆઈયુ બેચ Aએ દુબઈથી આવતા એક વિમાનના યાત્રીઓના સમાનના ચેકિંગ દરમિયાન કસ્ટમ વિભાગને એક શંકાસ્પદ મિક્સર ગ્રાઇન્ડર મળી આવ્યું હતું. અધિકારીઓએ આની તપાસ કરતા અંદરથી ૨૪ કેરેટનું શુદ્ધ સોનું મળી આવ્યું હતું.
હકીકતે દુબઈથી ભારત આવેલી એઈ 950 ફ્લાઇટના એક મુસાફર પર શંકાના આધારે કસ્ટમ વિભાગે સામાનની તપાસ કરી હતી અને તેમાંથી મિક્સર મળતા તેમણે તે જપ્ત કર્યું હતું. પાછળથી મિક્સર તેની હાજરીમાં ખોલવામાં આવ્યું હતું. મિક્સરની અંદર મોટરની મેટલ કેસીંગમાં ૧૫૧૪ ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું હતું અને જપ્ત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ સોનાની કિંમત હાલના ભાવ પ્રમાણે લગભગ ૭૩ લાખ રૂપિયાની આસપાસ છે. જોકે, આ રીતે સોનાની દાણચોરીનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી, આવા અનેક કિસ્સા કેરેલમાં બનતા રહે છે. આ અગાઉ કલીકટ એરપોર્ટ પર પણ ગયા અઠવાડિયે ૧૩૩૯ ગ્રામ જેટલું સોનું જપ્ત કરાયું હતું.