ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પ્રકરણમાં મુંબઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સીબીઆઈએ રાજયના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને રાજયના પોલીસ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ સંજય પાંડેને મોકલેલા સમન્સ રદ કરવાની વિનંતી કરતી અરજી કરી હતી, જેને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. સીબીઆઈએ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવાનો અધિકાર હોવાનું કોર્ટે કહ્યું હતું.
પોલીસ અધિકારીની બદલી અને નિમણૂકમાં કથિત ભ્રષ્ટાચાર હોવાનું કહીને તેની તપાસ કરવા માટે ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી(ગૃહ) સીતારામ કુંટે અને રાજયના પોલીસ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ સંજય પાંડેને વારંવાર સમન્સ મોકલીને તેમને હેરાન કરવામા આવી રહ્યા છે. એ સિવાય સીબીઆઈના હાલના ડાયરેકટર સુબોધ જૈસ્વાલ એ અગાઉ રાજ્યના પોલીસ ડાયરેકટર જનરલ હતા અને તેમના સમયમાં સંબંધિત પોલીસની બદલી અને નિમણૂક થઈ હતી. તેમના નેતૃત્વમાં સીબીઆઈની તપાસ થશે તો તે નિષ્પક્ષ નહી હોય તેથી તેની તપાસ મુંબઈ હાઈ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસના નેતૃત્વમાં સ્પેશિયલ ટીમને સોંપવી એવી માંગણી કરતી અરજી રાજ્ય સરકારે કરી હતી. જોકે તેમની અરજીમાં માન્ય કરવા જેવું કઈ ન હોવાનું કહીને હાઈ કોર્ટની ખંડપીઠે તેને ફગાવી દીધી હતી.