ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
હાલ રાજ્યમાં ચારથી પાંચ હજાર કેસ નોંધાઈ રહ્યા છે તથા કોરોના પણ નિયંત્રણમાં છે, પરંતુ ગણેશોત્સવની ઉજવણી અને કોરોનાની ત્રીજી લહેરના જોખમ ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. કોરોના નિયંત્રણમાં છે, પરંતુ આ સંખ્યા જો રોજની 20,000ની ઉપર જશે તો રાજ્યમાં ફરી લૉકડાઉ લાદવાની ફરજ પડશે એવી ચેતવણી મુખ્ય પ્રધાને ઉચ્ચારી છે. લોકોને સાવધ રહેવની સાથે જ તેમણે તમામ રાજકીય પક્ષોને પણ રાજકીય સભા, મોરચા સહિત અન્ય કાર્યક્રમનું આયોજન નહીં કરવાની અપીલ કરી છે. અન્ય કાર્યક્રમનું આયોજન તથા તહેવારોની ઉજવણી પણ કોરોનાને લગતા નિયમનું પાલન કરીને કરવાની તેમણે અપીલ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવમાં કેસ વધવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. હાલ જોકે મહારાષ્ટ્રમાં રોજના સાડાચારથી પાંચ હજાર જેટલા કોરોનાના કેસ નોધાઈ રહ્યા છે. પરંતુ જે દિવસે રોજના 20,000 પૉઝિટિવ કેસ આવવાનું ચાલુ થઈ જશે, એ દિવસે મહારાષ્ટ્રમાં લૉકડાઉન લાદવું જ પડશે. અન્યથા પરિસ્થિતિ હાથમાંથી બહાર નીકળી જશે. હાલ રોજના 30,000 સુધી કેસ નોંધાય તો એની માટે આરોગ્ય યંત્રણા સજ્જ છે. પરંતુ જો આંકડો 40,000 પર પહોંચી જાય છે તો પરિસ્થિતિ ગંભીર થશે. હૉસ્પિટલમાં બેડ, ઑક્સિજનથી લઈને દવાની અછત નિર્માણ થશે તથા મૃત્યુદર પણ વધી જશે, એવું મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાના અધિકારીઓનું કહેવું છે.