ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ગણેશવિસર્જન દરમિયાન મુંબઈ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લામાં 6 લોકો પાણીમાં ડૂબી ગયા હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. મુંબઈમાં 3, પિંપરી-ચિંચવડમાં 2 અને અમરાવતીમાં 1 એમ છ લોકો ડૂબી ગયા હતા. જેમાં 3 લોકોને શોધવા વર્સોવા મોડી રાત સુધી સર્ચ ઑપરેશન ચાલુ હતું.
કોરોનાના સંકટ વચ્ચે અનેક પ્રતિબંધો હેઠળ આ વખતે રાજ્યમાં ગણેશોત્સવ શાંતિથી પાર પડ્યો હતો. જોકે અનંતચતુર્દશીના વિસર્જન દરમિયાન અનેક પ્રતિબંધો બાદ પણ વિસર્જન માટે પાણીમાં ઉતરનારા ડૂબી જવાના બનતા હોય છે. વર્સોવા બીચ પર રવિવારે રાતના 9 વાગ્યાની આસપાસ દરિયામાં ઊતરેલા 5 છોકરા ડૂબી ગયા હતા. સદનસીબે સ્થાનિક રહેવાસીઓએ બે લોકોને બચાવી લીધા હતા. તેમને તુરંત કુપર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પંરતુ બાકીના 3 છોકરા પાણીમાં તણાઈ ગયા હતા. ફાયરબિગ્રેડ, સ્થાનિક પોલીસ, પાલિકાનું ડિઝાસ્ટર ખાતું તથા કોસ્ટ ગાર્ડ દ્વારા મોડી રાત સુધી સર્ચ ઑપરેશન ચાલ્યું હતું. જોકે વરસાદનું જોર ભારે હોવાને કારણે તથા અંધારાને કારણે સફળતા મળી નહોતી. સોમવાર સવાર સુધી ત્રણેની કોઈ ભાળ મળી નહોતી.
પુણે જિલ્લામાં મોશી આણંદી રોડ પર ઇન્દ્રાણી નદીના પટમાં વિસર્જન દરમિયાન બે યુવકો તણાઈ ગયા હતા. બંનેની ઉંમર 18 અને 20 વર્ષની આસપાસ હતી. જેમાં એકનો મૃતદેહ હાથ લાગ્યો હતો, તો બીજાનો સોમવાર સવાર સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો. અમરાવતી જિલ્લાના ચાંદુરમાં પણ 17 વર્ષનો ટીનએજર ડૂબી ગયો હતો.
ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે
