ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે અને દુકાનદારોને કોઈ છૂટછાટ મળી નથી. આ બાબતે નિર્ણય લેતી વખતે સરકારે વેપારીઓનો મત જાણ્યો ન હતો. તેથી હવે આ નિર્ણયથી વેપારી વર્ગમાં ભારે આક્રોશ છે.
દરમિયાન ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને પ્રેસ રિલીઝ બહાર પાડી જણાવ્યું હતું કે “વેપારીઓના નુકસાન માટે પેકેજ અથવા સબસિડી પર કોઈ ચર્ચા કેમ નથી? અસંગઠિત છૂટક ક્ષેત્રોમાં ૯૫ ટકા વેપારીઓને ૪ એપ્રિલથી ૩૧ મે સુધીમાં લઘુ અને મધ્યમ રિટેલરોને કુલ ૬૯,૫૦૦ કરોડનું નુકસાન થશે. એની ભરપાઈ કોણ કરશે?” તેમાં ઉમેરાયું હતું કે સરકારે મુંબઈ જેવા શહેરનો પણ ઉલ્લેખ કર્યો નથી કે જ્યાં કેસ સતત ઘટી રહ્યા છે અને ક્રમશ:અનલોક કરવામાં આવે તો પણ સ્થિતિને કાબૂમાં રાખી શકાય છે.
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ જ્યાં ઈ-કોમર્સ વેબસાઇટ અને ઓનલાઇન પ્લેયરો જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરી કોઈ પણ ભય વિના વ્યવસાય કરે છે અને નાના વેપારીઓનો વેપાર ખેંચી જઈ રહ્યા છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો એસોસિયેશન કોર્ટમાં જશે. હવે સમય આવી ગયો છે કે મહારાષ્ટ્ર સરકાર વેપારીઓના પ્રશ્નો અને ચિંતાઓનો ગંભીરતાથી વિચાર કરે. અમે લોકડાઉનમાં સરકારને ટેકો આપ્યો છે, પરંતુ બદલામાં કોઈ પરસ્પર સબસિડી આપવામાં આવી નથી. વ્યાવસાયિક ખોટ અને બેરોજગારી હવે વધી રહી છે.