મહારાષ્ટ્રના 10 માંથી 8 જિલ્લાઓમાં કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને રાજ્ય સરકારને સખત COVID-19 પગલાં લાગુ કરવાની ફરજ પડી છે જેમાં લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ લાદવાનો સમાવેશ થાય છે.
1 ઔરંગાબાદ
મહારાષ્ટ્ર સરકારે તેમજ ઔરંગાબાદ જિલ્લા પ્રશાસને સામાન્ય દિવસો દરમિયાન આંશિક લોકડાઉન લાગુ કર્યું હતું. હવે ઔરંગાબાદમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,569 થઈ ગઈ છે. એટલે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જિલ્લા પ્રશાસને નિર્ણય કર્યો છે કે શનિવાર અને રવિવાર એટલે કે 13 માર્ચ તેમજ 14 માર્ચ ના દિવસે બે દિવસ માટે ઔરંગાબાદ આખેઆખો જિલ્લો પૂર્ણ રીતે બંધ રહેશે.
2 અકોલા
અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
3 પુણે
પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે, 31 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રશાસનના આ નિર્ણયને કારણે સ્થાનિક લોકોમાં નારાજગી છે પરંતુ જે રીતે કેસ વધી રહ્યા છે તેને કારણે પ્રશાસન પાસે હવે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. સોમવારથી નિયમિત રીતે કામ ધંધા શરૂ થઈ જશે પરંતુ આંશિક લોકડાઉન હેઠળ સાંજે સાત વાગ્યા પછી કશું જ ચાલુ નહીં રાખી શકાય.
4 નાગપુર
મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગત 15 દિવસમાં મુંબઈમાં કોરોના જેટલા કેસ નોંધાયા હતા તેના કરતા વધુ કેસ નાગપુરમાં નોંધાયા છે. પરિણામ સ્વરૂપ મહારાષ્ટ્ર સરકારે હવે સૌથી અંતિમ પગલું ભર્યું છે. નાગપુરમાં હવે ૭ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ બિલકુલ એ પ્રકારનું લોકડાઉન છે જેવું પહેલાં કરવામાં આવ્યું હતું. 15મી માર્ચથી શરૂ કરીને 21 તારીખ સુધી એટલે કે સાત દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
5 નાસિક
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને નાસિક જિલ્લા તંત્ર દ્વારા આકરા નિયંત્રણો સાથે વીકેંડ લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટીતંત્રએ નિર્ણય લીધો કે 15 માર્ચથી જિલ્લામાં લગ્ન સમારોહને મંજૂરી નહીં આપવામાં આવે. આ પ્રતિબંધ દરમિયાન કોઈ પણ કારણ વગર ઘરથી બહાર નીકળનાર નાગરિકોને પોલીસની કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. લોકડાઉન દરમિયાન સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી તમામ દુકાનો, શોપિંગ મોલ, કોમ્પલેક્સ બંધ રહેશે. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનોને જ છૂટ આપવામાં આવશે. રેસ્ટોરંટ રાત્રે 9 વાગ્યે બંધ થશે અને 11 વાગ્યા સુધી પાર્સલ આપી શકશે. નાસિક શહેરની તમામ સ્કૂલ, કોલેજો, કોચિંગ ક્લાસ બંધ રહેશે.
6 મીરા રોડ- ભાયંદર
કોરોના ના વધતા જતા કેસને કારણે સરકારે હવે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જે હેઠળ મીરા રોડ- ભાયંદર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે જે વિસ્તાર હોટસ્પોટ તરીકે તારવવામાં આવ્યા છે તે તમામ વિસ્તારમાં હવે ૧૩ માર્ચથી શરૂ કરીને 31 માર્ચે રાત્રે બાર વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે બિલ્ડીંગમાં પાંચથી વધુ કોરોના ના કેસ મળી આવ્યા છે તે તમામ ઈમારત અને તેની સાથેની સંલગ્ન સડકને બંધ કરવામાં આવી છે. વધુમાં જે વિસ્તાર હોટસ્પોટ છે ત્યાં અત્યાવશ્યક સુવિધાઓને જવાની પરવાનગી રહેશે. પરંતુ અન્ય સામાન્ય ગતિવિધિઓ બંધ રહેશે. આ ઉપરાંત હોટસ્પોટ વિસ્તારમાં દુકાનો તેમજ વ્યવસાયિક એકમો પણ બંધ રહેશે.
7 કલ્યાણ અને ડોમ્બીવલી
મુંબઈ નજીક આવેલા કલ્યાણ અને ડોમ્બીવલી વિસ્તારમાં ત્યાંની મહાનગરપાલિકા દ્વારા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
હવે કલ્યાણ અને ડોમ્બીવલીમાં સાંજે સાત વાગ્યા પછી તમામ દુકાનો, ફેરિયાઓ અને ખાણીપીણી ની તમામ જગ્યાઓ બંધ કરવી પડશે.
આ ઉપરાંત અઠવાડિયામાં માત્ર છ દિવસ દુકાનો ચાલુ રહી શકશે. તેમજ શનિવારે અથવા રવિવારે બેમાંથી એક દિવસ દુકાન બંધ રાખવી પડશે.
8 થાણે
થાણેમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી અલગ અલગ ૧૬ વિસ્તારો માં લોકલ લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ થાણેમાં 16 જેટલા હોટસ્પોટ મળી આવ્યા છે અને દરેક વિસ્તારમાંથી નવા કેસ બહાર આવ્યા છે માટે આ હોટસ્પોટ વિસ્તાર માં લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. જે મુજબ આ વિસ્તારો ને સીલ કરવામાં આવ્યા છે અને ત્યાં રહેલી દુકાનો અને બિલ્ડીંગો માં થઈ રહેલી ગતિવીધીઓ રોકવામાં આવી છે.
કોરોનાનો પ્રકોપ ફરી વધવા લાગતાં જિલ્લા પ્રશાસને ગ્રામીણ વિસ્તારોમાં શરુ કરેલી સ્કૂલો ૧૫ માર્ચથી ફરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલો બંધ રાખી ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલું રાખવાનો આદેશ જિલ્લા પ્રશાસને સ્કૂલ મેનેજમેન્ટ્સને આપ્યો છે.
