ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ.14 એપ્રિલ 2021.
બુધવાર.
મહારાષ્ટ્રમાં વધતા કોરોના સંક્રમિત લોકોની સંખ્યાના પગલે સામાન્ય જનતાએ ઘણા બધા સંકટોનો સામનો કરવો પડે છે. આર્થિક, સામાજિક, માનસિક અને હવે વૈદકીય એટલે કે સારવાર ક્ષેત્રે પણ તેમણે સંકટ ભોગવવાનો વારો આવ્યો છે. પહેલા રેમડેસિવિર જેવા ઇન્જેક્શન ની અછત. હવે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યાં જ હોસ્પિટલના બેડની સાથે ઓક્સિજન ની અછત પણ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના દર્દીઓ ને સારવારમાં ઓક્સિજન એ તેમની પ્રાથમિક જરૂરિયાત છે. જ્યારે એની જ અછત સર્જાતા રાજ્યમાં મહદ અંશે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. માટે જ પ્રાણવાયુની અછત પૂરી કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે છત્તીસગઢ,આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યો પાસેથી મદદનો હાથ લંબાવ્યો છે.
રિપોર્ટ મુજબ સંપૂર્ણ દેશમાં 750 ટન ઓક્સિજન તબીબી સારવાર માટે વપરાય છે. પરંતુ છેલ્લા છ મહિનામાં ઓક્સિજનનું ઉત્પાદન વધીને 2700 ટન સુધી પહોંચ્યું છે, તે છતાં પણ રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. તે એક ચિંતાજનક બાબત છે. સાધારણ રીતે કોરોના દર્દીઓમાંથી છ ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે પરંતુ હવે એનું પ્રમાણ પણ વધી ને 10 ટકા સુધી પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં આઇનોક્સ એર પ્રોડક્ટસ્ અને લીડ ઈન્ડીયા જેવી કંપની ઓક્સિજન પુરવઠો પૂરો પાડે છે.
વેપારીઓની મદદ કોણ કરે? રાજ્ય સરકાર કહે છે કેન્દ્ર સરકાર કરે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર રાજ્યના ઊસમાનાબાદ, બીડ અને નંદુરબાર જેવા જિલ્લામાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. જોકે રાજ્યના 14 જિલ્લામાં ઓક્સિજન તૈયાર કરવા ના કારખાના પણ ઉભા કરવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં રેમડેસિવિર ઇન્જેક્શન કરતા પણ ઓક્સિજન ની જરૂરિયાત વધારે છે.
