ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 15 એપ્રિલ 2021.
ગુરૂવાર.
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ના કેસમાં વૃદ્ધિ થવાથી સરકારે આંશિક લોકડાઉન સાથે કડક પ્રતિબંધો પણ લાગુ કર્યા છે. આ પ્રતિબંધો નો કડક રીતે અમલીકરણ કરવા માટે સરકારે કમર કસી લીધી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના જિલ્લા અધિકારીઓ અને પોલીસ વિભાગ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ પોલીસ અધિકારી અને જિલ્લા અધિકારીઓને આ પ્રતિબંધો નો કડક રીતે અમલ કરવાનો કઠોર આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી જણાવે છે કે, આપણે જીવન આવશ્યક વસ્તુઓની સેવા અને સુવિધા બંધ કરી નથી. પરંતુ તેથી એનો અર્થ એવો નથી થતો કે સામાન્ય જનતા આ સેવાનો લાભ લેવા માટે નિયમ તોડે અને રસ્તામાં ગીરદી કરે અને જો એવું થાય તો તે સુવિધાને બંધ કરવાની છુટ સ્થાનિક પ્રશાસનને છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઇ રહી છે. માટે જ' break the chain' હેઠળ કરવામાં આવેલા પ્રતિબંધનો કડક રીતે અમલ થવો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ગાફેલ રહેવાનું નથી.'
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની આ બેઠકમાં મહેસુલ મંત્રી, આરોગ્યમંત્રી, વૈદકીય શિક્ષણમંત્રી, મુખ્ય સચિવ સાથે રાજ્યના ટાસ્ક ફોર્સના ડોક્ટર્સે પણ ભાગ લીધો હતો.