ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં નાગપૂરની સાથે જ અકોલા –બુલઢાણા-વાશિમ મતદારસંઘની વિધાનપરિષદની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ બેઠક પર મહાવિકાસ આઘાડીના 80 મત ફૂટી જતા ભાજપે મોટી જીત હાસિલ કરી હતી. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર હોવા છતાં અકોલાની બેઠક પર 80 મત ફૂટી જતા તેમની માટે શરમજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.
નાગપૂરની માફક જ અકોલામાં પણ ભાજપ અને શિવસેનાના ઉમેદવાર વચ્ચે જોરદાર ટક્કર હતી, કારણ કે ભાજપ સામે શિવસેનાના સતત ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા ગોપીકિશન મેદાનમાં ઉતર્યા હતા. છતાં ભાજપ રાજયની મહાવિકાસ આઘાડીના શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના 80 મતને ફોડીને અકોલાની બેઠક પોતાની તરફ કરવામાં સફળ રહી હતી.
ભાજપના વસંત ખંડેલવાલે શિવસેના વિધાનસભ્ય ગોપીકિશન બાજોરિયાને હરાવી દેતા મહાવિકાસ
આઘાડીના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ભાજપના વસંત ખંડેલવાલને 443 તો ગોપીકિશનને 334 મત મળ્યા હતા. ચૂંટણીમાં 31 મત ગેરલાયક ઠર્યા હતા. ભાજપે લગભગ 109 મતોથી શિવસેનાના ઉમેદવારનો પરાજય કર્યો છે. સતત ત્રણ ટર્મ સુધી વિધાનસભ્ય રહેલા અને ચોથી વખત ચૂંટણી લડી રહેલા ગોપીકિશન બાજોરિયા માટે આ હાર આંચકાજનક રહી હતી.