ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
ક્રુઝ ડ્રગ્સ પ્રકરણ હવે આડે ફંટાઈ ગયું છે અને હવે પૂરા વિવાદનું કેન્દ્ર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના (NCB)ના અધિકારી સમીર વાનખેડે બની ગયા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવકતા અને લઘુમતી બાબતના પ્રધાન નવાબ મલિકે હવે વાનખેડે અને મહારાષ્ટ્રના વિધાનસભાના વિરોધીપક્ષ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પરિવાર વચ્ચે સંબધ હોવાનો દાવો કરીને પૂરાવા રજૂ કર્યા છે. એટલું જ નહીં પણ તેમણે તો દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના ડ્રગ્સના કારોબારના માસ્ટરમાઈન્ડ કહીને હંગામો મચાવી દીધો છે.
સવાર સવારના પત્રકાર પરિષદ કરીને નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસના ડ્રગ્સ કારોબાર સાથે સંબંધ હોવાનું કહીને ખળભળાટ મચાવી દીધો છે. ફડણવીસના ઈશારા પર જ ડ્રગ્સનો આ આખો ખેલ રમાયો હોવાનો આરોપ પણ તેમણે કર્યો છે. NCBના અધિકારી સમીર વાનખેડે અને ફડણવીસ પરિવાર વચ્ચે ખાસ સંબંધ છે. સમીરના પત્ની ક્રાંતી રેડેકર અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તો ફડણવીસની પત્ની અમૃતાએ પોતાના અનેક આલ્બમ બહાર પાડીને તેમા અભિનય પણ કર્યો છે. લગભગ ચારેક વર્ષ પહેલા અમૃતા ફડણવીસ અને ક્રાંતીએ કોઈ પ્રોજેક્ટમાં સાથે રહ્યા હતા. તે બંનેનો ફોટો પણ નવાબ મલિકે શેર કર્યો હતો.