ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦/૦૯/૨૧
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાએ નવરાત્રી માટે નિયમાવલી જાહેર કરી દીધી છે. મુંબઈ મહાનગરપાલિકાની નિયમાવલી ને કારણે ચાલુ વર્ષે કોમર્શિયલ નવરાત્રી તેમજ શેરી ગરબા યોજવા મૂશ્કેલ થઇ પડશે.
મુંબઈ મહાનગરપાલિકાના આદેશ મુજબ નવરાત્રી દરમ્યાન માતાજીની મૂર્તિ બે ફૂટ અથવા ચાર ફૂટની જ સ્થાપના થઈ શકશે. આ ઉપરાંત વિસર્જન તેમજ મૂર્તિ લાવતી વખતે વધુમાં વધુ ૫ થી ૧૦ લોકો ઉપસ્થિત રહી શકશે. કોઈપણ સમયે નવરાત્રિના મંડપમાં ૧૦ થી વધુ લોકોને ઉપસ્થિત રહેવાની મનાઈ છે. મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન મંડળો સમાજસેવાના કામ એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા કાર્યક્રમો આયોજિત કરે.
સાર્વજનિક નવરાત્રી મંડળ ને પરવાનગી લેવાની ફરજીયાત રહેશે. જોકે ચાલુ વર્ષે પરવાનગી માટે કોઈપણ ફી નહીં કરવી પડે. મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નવરાત્રિ દરમિયાન એકેય એવો કાર્યક્રમ યોજી નહીં શકાય જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય.
આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ માતાજીની મૂર્તિના વિસર્જન માટે લોકોને આહવાન કર્યું છે કે મૂર્તિને મંડપમાં જ વિસર્જિત કરવામાં આવે. તેમજ જો વિસર્જન ની વ્યવસ્થા ન હોય તો નજીક આવેલા સાર્વજનિક વિસર્જન સ્થળ પર વિસર્જન કરવામાં આવે.
આમ ચાલુ વર્ષે હવે નવરાત્રી સાદગીપૂર્વક ઉજવવી પડશે.
