ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ગુજરાતના પાટનગર ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિરમાં આજે ઇન્વેસ્ટર સમિટનું આયોજન થયું છે, એમાં વડા પ્રધાન મોદીએ ગુજરાતમાં આયોજિત સમિટમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશમાં નૅશનલ ઑટોમોબાઇલ સ્ક્રેપિંગ પૉલિસી લૉન્ચ કરી હતી. એનાથી ઑટો ક્ષેત્રને આત્મનિર્ભર થવામાં મદદ મળશે. આ નીતિ 10,000 કરોડથી પણ વધારે મૂડીરોકાણ લાવશે. તેમણે કહ્યું હતું કે ખરાબ અને પ્રદૂષણ ફેલાવતાં વેહિકલ્સને રસ્તા પરથી દૂર કરવા માટે આ નીતિ મહત્ત્વની ભૂમિકા ભજવશે. આઝાદી બાદ આજે આત્મનિર્ભર ભારતની પૉલિસી લૉન્ચ કરવામાં આવી છે. કચરાથી કંચન સુધી પહોંચવા માટે આ પૉલિસી લાગુ કરવામાં આવી છે.
સંબોધન દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે, 'નવી સ્ક્રેપ પૉલિસી વેસ્ટ ટુ વેલ્થના મંત્રને આગળ ધપાવશે. આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ મહત્ત્વના છે, જે રીતે ટેક્નોલૉજી બદલાઈ રહી છે એ મુજબ આપણે બદલાવ લાવવો પડશે. આપણે આ નવા પરિવર્તનના પડકારનો પણ સામનો કરી રહ્યા છીએ, ત્યારે આપણા હિતમાં મોટાં પગલાં લેવાં જરૂરી છે.'
આજથી દેશમાં હવાઈ મુસાફરી બનશે મોંઘી, સરકારે ઘરેલુ ફ્લાઈટના ભાડામાં કર્યો આટલા ટકાનો વધારો
વડા પ્રધાને આગળ વાત કરતાં કહ્યું કે, ‘આ પૉલિસીથી સામાન્ય પરિવારોને દરેક રીતે લાભ મળશે, જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે, તેને સ્ક્રેપના બદલામાં એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર તેને નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટૅક્સમાં પણ છૂટ મળશે અને ઈંધણની બચત થશે. આ ઉપરાંત જૂની ગાડીઓથી રોડ ઍક્સિડન્ટનો ખતરો વધુ રહે છે, એનાથી પણ મુક્તિ મળશે. પ્રદૂષણમાં ઘટાડો થશે. ગાડીનો સ્ક્રેપ કરતાં પહેલાં એનો વૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવશે.'
હૉટેલ ઇન્ડસ્ટ્રીએ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય વિરુદ્ધ ફરી બાંયો ચઢાવી, જાણો કેમ
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, 'ઇથેનોલ, હાઇડ્રોજન ઈંધણ હોય કે ઇલેક્ટ્રિક મોબિલિટી, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે, ઉદ્યોગની ભાગીદારી ખૂબ મહત્ત્વની છે. R&Dથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી ઉદ્યોગે એનો હિસ્સો વધારવો પડશે. આ માટે તમને જે પણ મદદની જરૂર છે, સરકાર એ આપવા તૈયાર છે.'
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દર વર્ષે આવી રોકાણકાર માટેની સમિટનું આયોજન કરવામાં આવે છે. જેની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ સાત કંપનીઓએ સરકાર સાથે એમઓયુ કર્યા છે. એમાં ગુજરાતની 6 અને આસામની એક કંપનીનો સમાવેશ થાય છે.